જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ કોર્પોરેટરો સહિત 29 શખ્સો સામે ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે 14 શખ્સોને ઝડપી લઇ રાજકોટ ગુજસીટોક સ્પે. કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા અદાલતે સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મહાનગરપાલિકાના બે પૂર્વ કોર્પોરેટરો તથા તેમના સાગરિતો વિરૂઘ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને આ બન્ને ટોળકીઓ વિરૂઘ્ધ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોમાં ભય પેદા કરતી આ બન્ને ટોળકીના 29 જેટલા શખ્સો વિરૂદ્ધ ગુજસીટોક અંતર્ગત સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પી.આઇ. વી. બી. ચૌધરી તથા એમ. વી. ભાટિયા, એસઓજી પી.આઇ. બી. એન. ચૌધરી, સિટી ‘એ’ ડિવિઝન પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફ દ્વારા જામનગરના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફી નામના બન્ને દ્વારા અલગ અલગ સંગઠિત ગુનાઓ આચરતી ટોળકી વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, દુષ્કર્મ, લેન્ડગ્રેબિંગ, ધમકી, ધાડની તૈયારી, ફાયરીંગ, એટ્રોસિટી, ચોરી, પ્રોહિબિશન, જુગાર, નાર્કોટિક્સ, હથિયારબંધી જાહેરનામા ભંગ, કેફી પદાર્થ વેચાણ, જાહેરમાં મારામારી જેવા ગુનાઓ મળી આ બન્ને ટોળકીના 29 શખ્સો વિરૂઘ્ધ કુલ 98 ગુનાઓ નોંધાયેલા છે.
આ ગુજસીટોકની ફરિયાદમાં અસલમ કરીમ ખીલજી ગેંગના 18 સાગરિતો પૈકીના અસલમ કરીમ ખીલજી (પૂર્વ કોર્પોરેટર), શાકીર રફીક ખીલજી, આસિફ મ.હુસેન ખીલજી, રેહાન ઇકબાલ બેલીમ, સદામ ઉર્ફે ઇંડો અસગર શેખ, અકીલ અસગર શેખ, અસગરઅલી ઉર્ફે હસુ મહમદહુશેન મકવાણા, આફતાબ ઉર્ફે અપ્પુ મ.હુશેન મકવાણા, મહમદ ઉર્ફે ચોર ઉર્ફે મમલો અખ્તર પંજા, રઉફ ઉર્ફે ભૂરો ગુલામહુશેન બેલીમ, મકસુદ ઉર્ફે પવન ઉર્ફે અ.રજાક પંજા, એજાઝ ઉર્ફે ગોકુલ મ.હુશેન કુરેશી, હસન હારૂન બસર નામના 13 શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ આ ટોળકીના ગનીભાઇ ઉર્ફે ગની પટેલ ઉમર બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર હસન માંડલિયા, નદીમ મ.હુશેન ખીલજી, લતીફ ઉર્ફે લતીફબાપુ હાજી શેખ નામના પાંચ શખ્સોની શોધખોળ આરંભી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. આ ટોળકી વિરૂઘ્ધ કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. તેમજ ઝડપાયેલા 13 શખ્સોને 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રાજકોટ ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતા અદાલતે સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.


