ખંભાળિયા એસઓજીએ અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય માછીમારી બોટના નંબર મેળવી ગેરકાયદેસર માછીમારી કરતાં ઓખામાં રહેતાં શખ્સની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાર્યવાહ હાથ ધરી હતી. ડાલ્ડા બંદરમાં ટોકન મેળવ્યા બાદ ગેરકાયદેસર માછીમારી કરી છેતરપિંડી આચરનાર શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના 38 વર્ષના માછીમાર કે જેની રોનક 2 નામની ચોક્કસ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બોટ થોડા સમય પૂર્વે આઈ.એમ.બી.એલ. ઉપર માછીમારી કરતાં પકડાઈ હોવાથી તેનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે અન્ય એક ફિશિંગ બોટ અલ કિરમાણીના રજિસ્ટ્રેશનના કાગળો મેળવી લઈને ફિશરીઝ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલી રજીસ્ટ્રેશન વાળી બોટમાં અન્ય બોટ અલ કિરમાણીના રજીસ્ટ્રેશન નંબર સાથેનું બોર્ડ મારીને અલ કિરમાણીના રજીસ્ટ્રેશનના કાગળોનો ઉપયોગ કરીને તેના મારફતે ઓનલાઈન ટોકન મેળવી લીધું હતું. આમ, ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડી કરી હતી.
આ રીતે બોટમાં નકલી રજિસ્ટ્રેશન નંબર લગાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને છેલ્લા આશરે ત્રણેક માસથી માછીમારી કરતો હોવાનું પોલીસના ધ્યાને આવતા આ અંગે એસઓજી વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી ઈરફાન મોહંમદહુસેન કાદુ સામે બીએનએસ તેમજ ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ ડી. એ. વાળા તથા સ્ટાફએ આગળની તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ઓખાના ડાલ્ડા બંદર પાસેથી પોલીસે એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા કપિલ રાજાભાઈ ચુડાસમા (ઉ.વ. 25, રહે. કોડીનાર- જૂનાગઢ) દ્વારા ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને આ ટોકનમાં જણાવેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઓછો લઈ જઈ અને ટોકનમાંથી નામ ઓછું કરાવ્યા વગર અનઅધિકૃત રીતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ તપાસ હાથ ધરી હતી.


