જામનગર તા. 18, જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડ ની કોલોની ના જર્જરીત મકાનો, કે જેનું રાજ્ય સરકાર દ્વારાજ પૂન: નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેને સફળતા સાંપડી છે, અને રાજ્ય સરકાર દ્વારા આ નવા મકાનો તૈયાર કરી આપવા નક્કી કરાયું છે. જેની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત પણ કરાશે.

જામનગર ના રણજીતસાગર માર્ગ પરના ત્રણ દાયકાથી વધુ જૂની એવી સાધના કોલોનીનું હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અને લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી, પણ સમય જતાં આ કોલોની જર્જરિત થવા લાગી અને કેટલાક બિલ્ડીંગોનો કેટલોક ભાગ તુટ્યો તો કેટલાક સંપૂર્ણ ધરાશાયી થયા હતા. થોડા સમય પૂર્વે આખોય બ્લોક જર્જરિત થઇ જતાં ત્રણ લોકોના મૃત્યુ પણ થયા હતા .જે બાદ એક ભાગ તૂટી જવાથી વધુ એક વ્યક્તિનું મોત થયું હતું .ત્યારે વધુ લોકો અહી મોતને ના ભેટે કે ઈજાગ્રસ્ત ના બને, તે માટે આ સોસાયટીને રી ડેવલોપમેન્ટ કરવાની વિચારણાઓ ચાલતી હતી,
હાઉસિંગ બોર્ડ પણ આ બાબતે નોટીસ આપવા સિવાય કોઈ રસ દાખવતું નહોતું, ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ મુખ્યમંત્રી સાથે આ બાબતે પરામર્શ કર્યો, અને આ વિસ્તારના લોકોને નવા આવાસો સરકારી ખર્ચે બનાવી આપવા વિસ્તૃત રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો છે.
આ અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું હિત ધ્યાને લઈને મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવેલી બાબતો નો કમિટી એ અભ્યાસ કર્યો છે, અને આ અંગે મંજુરી આપી છે. અને ગુજરાતમાં પ્રથમ વખત પીપીપી ધોરણે નહિ પરંતુ સંપૂર્ણ સરકાર જ રી-ડેવલપમેન્ટ કરશે, અને જે હયાત મકાનો છે તેનાથી 40 ટકા મોટા મકાનો મળશે. તેમ પણ ધારસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું
View this post on Instagram
વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી ફ્લેટધારકોને નવા ફ્લેટ ના મળે ત્યાં સુધી માસિક 5000 મકાન ભાડું પણ આપવામાં આવશે. અને આવતીકાલે મુખ્યમંત્રી આ કામનું પણ ખાતમુહૂર્ત કરશે. રીડેવલપમેન્ટ નીતિ-2016 અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુનઃ નિર્માણ ની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.


