જામનગર સહિત દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સરકારક દ્વારા ઓનલાઇન થતાં છેતરપિંડીના ગુનાઓ ડામવા માટે કડક પગલાં અને સુરક્ષા માટેની સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમ છતાં ઓનલાઇન છેતરપિંડી વધી રહી છે. જામનગર તાલુકાના નાની માટલી ગામના શખ્સ સહિતના ત્રણ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ઓનલાઇન છેતરપિંડીના ગુના માટે રૂા. 3.86 કરોડના નાણાંના વ્યવહારો કર્યાના બનાવમાં જામનગર સાઇબર ક્રાઇમે ત્રણેય શખ્સોને દબોચી લઇ ત્રણ મોબાઇલ કબ્જે કર્યા હતા.

ઓનલાઇન છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજી સભાયા (ઉ.વ.39) નામના શખ્સ સહિતના ત્રણ શખ્સોએ ગેેંગ બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના બેંક ખાતા મળતિયાઓ સાથે મળી ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ. એ. ધાસુરા તથા સ્ટાફએ તપાસ આરંભી કનૈયાલાલ તથા તેના સાગરીતો દ્વારા દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું એક્સિસ બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં જંગી કમિશને એકાઉન્ટ કીટ સહિત તેના મળતિયા ગુનેગારોને વાપરવા માટે આપી દીધી હતી. દરમ્યાન કનૈયાલાલ સભાયા અને તેની સાથે લાખા રાણા ઝાપડા (ઉ.વ.32, મૂળ રહે. ગામ ભગેડી, તા. કાલાવડ, જિ. જામનગર, હાલ કણકોટ, જિ. રાજકોટ), રાજકુમાર મુકેશ ઝાપડા (ઉ.વ.23, રહે. મૂળ મઘરવાડા, જિ. જૂનાગઢ. હાલ રહે. મેટોડા, જિ. રાજકોટ) નામના ત્રણેય શખ્સોએ સાયબર ક્રાઇમના ગુના આચરી આર્થિક લાભ મેળવવા માટે સાયબર ફ્રોડના રૂા. 2,80,32,207 તથા અન્ય ગેરકાયદેસર વહેવારો મળી કુલ રૂા. 3,86,74,756ની માતબર રકમ ટ્રાન્સફર કરાવી આ નાણા પોતાના ઉપયોગ માટે લઇ સગેવગે કરી નાખ્યા હતા.
View this post on Instagram
આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે સંદર્ભે સાયબર ક્રાઇમના પીડબલ્યુએસઆઇ આર. ડી. ટાંક, પો.કો. કારુભાઇ વશરા તથા સ્ટાફએ બેન્ક ખાતાની વિગતોના આધારે નાણાંકીય વ્યવહારોના સ્ટેટમેન્ટની તપાસ હાથ ધરી કનૈયાલાલ ખીમજી સભાયા, લાખા રાણા ઝાપડા, રાજકુમાર મુકેશ ઝાપડા નામના ત્રણ શખ્સોને ત્રણ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની પૂછપરછ હાથ ધરતાં આવા અસામાજિક તત્ત્વો દ્વારા સામાન્ય પ્રજાને વિશ્ર્વાસમાં લઇ તેમના નામે બેન્ક એકાઉન્ટ ચેકબૂક, પાસબૂક તથા ડેબિટ કાર્ડ મેળવી ગેરઉપયોગ કરી ઓનલાઇન છેતરપિંડી આચરતા હોય છે. સાઇબર ક્રાઇમ દ્વારા પ્રજાજોગ અપીલ કરી પોતાનું બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, ચેકબૂક, ઓટીપી, પીન અને કેવાયસીની વિગતો કોઇપણ અજાણી વ્યક્તિને આપશો નહીં તથા લોભામણા કમિશન અને સહેલાઇથી પૈસા કમાવવાની વાતો અથવા “માત્ર એકાઉન્ટ આપો.” જેવી ઓફરોમાં ફસાવું નહીં તેમજ પોતાના નામે ખોલાયેલા બેન્ક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તો તમે પણ ગુનામાં સંડોવાઇ શકો છો. ઉપરાંત કોઇપણ શંકાસ્પદ ફોન, લિંક, મેસેજ અથવા ટ્રાન્ઝેક્શન થાય તો તરત સાવચેત રહી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરવા સાયબર ક્રાઇમ-જામનગરની યાદીમાં જણાવાયું છે.


