જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી અજાણ્યા તસ્કરો છેલ્લા ત્રણ મહિનાના સમય દરમ્યાન સમયાંતરે રૂા. 11.70 લાખની કિંમતનો પીત્તળનો 7800 કીલો છોલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

ચોરીના આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઓશવાળ-3, શેરી નંબર ત્રણમાં સત્યમ્ કોલોની સામે રહેતાં વિજયભાઇ કાનજીભાઇ ભારવડિયા (ઉ.વ.29) નામના વેપારી યુવાનનું હીરજી મિસ્ત્રી રોડ ઉપર પ્રણામી સ્કૂલ પાસે આવેલા શ્યામ મેટલ નામના બ્રાસપાર્ટના કારખાનામાં વેપારી ગત્ તા. 18 ફેબ્રુઆરીના મદ્યરાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં બ્રાસપાર્ટની ભઠ્ઠી ચેક કરવા ગયા ત્યારે ભઠ્ઠીનો મેઇન ગેટ તથા શટરનું તાળું તૂટેલું નજરે ચઢયું હતું. તેમજ શટર બહાર પીત્તળના છોલના બે બાચકા પડયા હોવાથી છોલની ચોરી થતી હોવાનું જણાયું હતું. જેથી વેપારીએ ભઠ્ઠીના માલનો સ્ટોક મેળવતા કારખાનામાંથી છેલ્લા ત્રણ માસ દરમ્યાન સમયાંતરે રૂા. 11,70,000ની કિંમતનો 7800 કિલોનો પીત્તળનો છોલ ચોરી થયાનું ધ્યાનમાં આવતાં વેપારીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ વી. બી. બરબસિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


