જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં જ્વેલર્સ દાગીનાના પાકિટ સાથે રિક્ષામાં દુકાને આવ્યા ત્યારે મોબાઇલમાં વાતચીત દરમ્યાન દાગીનાનું પાકિટ ભૂલી ગયા હતા. આ સંદર્ભે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષાચાલકને શોધીને રૂા. 6.5 લાખના દાગીનાનું પાકિટ જ્વેલર્સને પરત આપ્યું હતું.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પાર્ક કોલોની, સેન્ટ આન્સ સ્કૂલ પાસે રહેતાં માંડવી ટાવર પાસે આવેલા બાલકૃષ્ણ જ્વેલર્સના પ્રશાંત ભૂપેન્દ્રભાઇ માંડલિયા ગઇકાલે બુધવારે સવારના સમયે રિક્ષામાં બેસી જ્વેલર્સની દુકાને આવ્યા હતા. તે દરમ્યાન તેમની પાસે 70 ગ્રામ વજનના સોનાની માળા અને વિંટી તથા કાનની બુટી મળી કુલ રૂા. 6.5 લાખના દાગીનાવાળું પાકિટ રિક્ષામાંથી ઉતરતા સમયે મોબાઇલમાં વાતચીત કરતી વેળાએ ભૂલી ગયા હતા. ત્યારબાદ દુકાને જતાં રહ્યાં હતાં. બાદમાં ધ્યાને આવતાં આ અંગે પ્રશાંતભાઇએ સિટી ‘એ’ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એ. ચાવડા તથા હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિજયભાઇ કાનાણી અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર (નેત્રમ્)ના પીએસઆઇ બી. બી. સિંગલ તથા સ્ટાફએ માંડવી ટાવર, ચાંદીબજાર, અંબર ચોકડી, ડીકેવી સર્કલ, બેડેશ્વર ચોકડી અને ધુંવાવ ગામ વિસ્તારના સીસીટીવી ફૂટેજો તપાસ્યા હતા.
આ તપાસ દરમ્યાન ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પ્રશાંતભાઇ જીજે03-સીટી-0838 નંબરની રિક્ષામાં આવ્યા હોવાનું ફૂટેજમાં જણાતા પોલીસે નંબરના આધારે રિક્ષાચાલકની શોધખોળ કરી સરનામું મેળવી તેની પાસેથી ગણતરીના કલાકોમાં જ રૂા. 6,50,000ની કિંમતનું સોનાની માળા, વિંટી તથા એક જોડી બૂટી મળી 70 ગ્રામ વજનના દાગીના ભરેલું પાકિટ શોધી કાઢી જ્વેલર્સ પ્રશાંતભાઇને પરત સોંપી આપતા પ્રશાંતભાઇએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


