જામનગરમાં રહેતી માત્ર 9 વર્ષની આરૂષી આજે અનેક બાળકો માટે પ્રેરણારૂપ બની છે. જામનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય INS વાલસુરામાં અભ્યાસ કરતી આરૂષી ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીની છે. જીવનમાં અનેક પડકારો સામે આવ્યા છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી.

માત્ર ચાર વર્ષની ઉંમરે તેણીને ગિલાન-બારે-સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ હતી. આ બીમારીના કારણે શરીરના અમુક ભાગોમાં સંવેદના ગુમાવી હતી અને બેસવા અને ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી. તરત જ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી અને લાંબા સમય સુધી દવાઓ, ફિઝિયોથેરાપી અને પરિવારના સતત સહયોગથી આરૂષી ધીમે ધીમે સ્વસ્થ બની.
સ્વસ્થ થયા પછી માતા-પિતાએ આરૂષીની પ્રતિભાને ઓળખી તેને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કરાવ્યું. વર્ષ ૨૦૨૧માં તેણે નૃત્યની તાલીમ શરૂ કરી. શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં અદભૂત આત્મવિશ્વાસ અને મહેનતના બળે પ્રગતિ કરી. શાળા તથા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે અનેક મેડલ, પ્રમાણપત્રો અને એવોર્ડ પણ મેળવ્યા.
આરૂષી માત્ર નૃત્યમાં જ નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે ભાગ લે છે. ગુજરાત કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ગોલ્ડન કટાર આર્મી પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં અનેક મેડલ, પુરસ્કારો અને શિલ્ડ પ્રાપ્ત કર્યા છે. તેના શિક્ષકો અને પરિવારજનોએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું છે.
આરૂષીની સિદ્ધિનું સૌથી મોટું પળ ત્યારે આવ્યું જ્યારે 12 નવેમ્બર,2025ના રોજ તેણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. માત્ર 30 સેકન્ડમાં તેણે નવરસના વિવિધ ભાવ – શૃંગાર (પ્રેમ), હાસ્ય (વિનોદ), કરુણ (દયા/દુઃખ), રૌદ્ર (ક્રોધ), વીર (ઉત્સાહ/પૌરુષ), ભયાનક (ડર), બીભત્સ (અણગમો), અદ્ભુત (આશ્ચર્ય) અને શાંત (વૈરાગ્ય/શાંતિ) અભિવ્યક્ત કરીને અનોખો રેકોર્ડ નોંધાવ્યો. આ સિદ્ધિએ તેના પરિવાર, શિક્ષકો અને સમગ્ર સમાજને ગર્વનો અનુભવ કરાવ્યો.
માત્ર ૯ વર્ષની બાળકીની આ સફર સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મુશ્કેલી આપણને અટકાવી શકતી નથી. આજના સમયમાં આરૂષી જેવી પ્રતિભાઓ સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. જે જામનગર માટે ગર્વની વાત છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહિલા દિવસની ઉજવણી નિમિતે કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આરુષીએ પોતાની નૃત્યકળાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભરતનાટ્યમ
ભરતનાટ્યમ એ તમિલનાડુમાં ઉદ્ભવેલી ભારતની સૌથી પ્રાચીન અને મુખ્ય શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. ‘ભરત’ શબ્દ નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિનો નિર્દેશ કરવા ઉપરાંત તેમાં યોજાયેલા ત્રણ અક્ષરો ‘ભ’, ‘ર’ અને ‘ત’ નૃત્યનાં ત્રણ મૂળભૂત તત્ત્વો જેવા કે ભાવ, રાગ અને તાલના મહત્વને સમજાવે છે. જે હસ્તમુદ્રાઓ, અભિનય અને ચોક્કસ પગલાંઓ દ્વારા આધ્યાત્મિક કથાઓ રજૂ કરે છે. પ્રાચીન મંદિરના શિલ્પોમાંથી પ્રેરિત આ નૃત્યમાં શારીરિક અને માનસિક શક્તિનું સુંદર પ્રદર્શન જોવા મળે છે.
ભરતનાટ્યમમાં નવરસ (નવ લાગણીઓ) એ કલાકારના ચહેરાના હાવભાવ અને અભિનય દ્વારા દર્શાવવામાં આવતી મુખ્ય ભાવનાઓ છે. તે મુખ્યત્વે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત રસોનો સમાવેશ કરે છે, જે પદમ્ અને જાવળી જેવી કૃતિઓમાં વ્યક્ત થાય છે.
1. શૃંગાર :પ્રેમ અને સૌંદર્યનો ભાવ.
2. હાસ્ય : આનંદ અને રમૂજનો ભાવ.
3. કરુણ : દુઃખ કે કરુણાનો ભાવ.
4. રૌદ્ર : ક્રોધનો ભાવ.
5. વીર : વીરતા અને સાહસનો ભાવ.
6. ભયાનક : ડરનો ભાવ.
7. બીભત્સ : ઘૃણાનો ભાવ.
8. અદભૂત : આશ્ચર્યનો ભાવ.
9. શાંત : શાંતિ અને સ્થિરતાનો ભાવ.
આ નવરસો દ્વારા નૃત્યકાર કલાના માધ્યમથી વિવિધ માનવીય સંવેદનાઓનું મનોહર નિરૂપણ કરે છે.


