જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગત 27મી ફેબ્રુઆરીએ ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર દોડતું થયુ હતું. પરંતુ ત્યારે કશું હાથ લાગ્યું ન હતું, પરંતુ મંગળવારે બપોરે ફરીથી પાર્સલમાં બૉમ્બ મુકાયાની ધમકી મળતા તંત્ર ફરી હરકતમાં આવી ગયું હતું, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ વિભાગની ટીમ ફાયર સહિતનું તંત્ર દોડતું થયું હતું. જોકે આજે પણ કશું હાથ લાગ્યું નથી.

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ને આજે ફરીથી બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેલ મળ્યા બાદ પોલીસ તંત્રમાં હરકતમાં આવી ગયું હતું, અને એલ.સી.બી., એસ.ઓ.જી., ડોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું, અને ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હોવાથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, ઉપરાંત પોસ્ટ ઓફિસમાં આવેલા મુલાકાતીઓને પણ બહાર બોલાવી લઈ સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી.
જેથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાં બોમ મુકાયો હોવાની ઈમેલ મારફતે ધમકી મળી હોવાથી પોસ્ટતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ પાર્સલો ચેક કરી લેવામાં આવ્યા હતા, જોકે તેમાંથી કશું મળ્યું નથી.


