જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં માતા-પિતાના ઘરે પતિ સાથે આવેલી પરિણીત યુવતીના પૂર્વ પ્રેમીએ પીછો કરી માવતરે આવી મહિલાને લગ્ન નહીં કરે તો પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, કચ્છના આદિપુરમાં રહેતી સ્નેહલબેન હિરેનભાઇ દાણીધારિયા (ઉ.વ.33) નામની મહિલા તેણીના પતિ હિરેનભાઇ સાથે જામનગરમાં રણજિતસાગર રોડ ઉપર રહેતા માતા-પિતાના ઘરે રોકાવા માટે આવી હતી. તે દરમ્યાન સોમવારે સાંજના સમયે મહિલાના દસ વર્ષ જુના પૂર્વ પ્રેમી જુનેદ જુસબ ખેરાણી (રહે. જામરાવલ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) નામના શખ્સે પીછો કરીને મહિલાના માવતરે ધસી આવ્યો હતો. જ્યાં મહિલાનો હાથ પકડી તેની સાથે લગ્ન નહીં કરે તો પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ મહિલાને પતાવી દઇને હું પણ આપઘાત કરી લઇશ તેવી ધમકી આપી હતી.
આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એલ. બી. જાડેજા સ્ટાફ સાથે આવીને જુનેદ ખેરાણી વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં આરોપી કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામનો વતની છે, અને પરણિત યુવતી સાથે આજથી દસ વર્ષ પહેલા આરોપી પ્રેમ સંબંધ ધરાવતો હતો. પરંતુ ફરિયાદી યુવતીએ કચ્છ જિલ્લાના આદિપુરના હિરેનભાઇ સાથે લગ્ન કરી લીધા હતા, અને જે લગ્નમાં થકી હાલ આઠ વર્ષનું એક સંતાન પણ છે, અને તેણી કચ્છમાં પતિ સાથે રહે છે અને સોમવારે મહિલા પોતાના પતિ અને બાળક સાથે જામનગરના પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા પોતાના માતા પિતાને ઘેર આંટો દેવા માટે આવી હતી, જ્યાં ઉપરોક્ત આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને હાથ પકડી લઈ પોતાની સાથે લગ્ન નહીં કરે તો તને મારી નાખીશ, અને હું પણ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હોવાથી આ પોલીસ ફરિયાદ કરી છે.


