લાલપુર તાલુકાના બાઘલા ગામની સીમમાં આવેલી પટેલ પ્રૌઢની ખેતીની જમીન 2009 થી ભાયુભાગમાં મળી હતી. તે બે વિઘા ખેતીની જમીનમાં દૂબઇમાં રહેતા શખ્સ સહિતના બે શખ્સો દ્વારા આ જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના બાઘલા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પર મયૂર ટાઉનશીપ, પ્લોટ નંબર 95/3માં રહેતા તથા ખેતીકામ કરતા ગિરધરભાઇ ગોરધનભાઇ કથિરિયા નામના પ્રૌઢને ભાયુભાગમાં બાઘલાના જૂના સર્વે નંબર 61/4 તથા નવા સર્વે નંબર 131ના હેકટર 0-91-05 ચો. મી.ની આશરે 5 વિઘા 11 ગુઠા ખેતીની જમીન વર્ષ 2009માં વારસાઇથી મળી હતી. ત્યારબાદથી આજદિવસ સુધી આ જમીન પૈકી બે વિઘા ખેતીની જમીનમાં નયન રમેશ કથિરિયા (રહે. જામનગર), વિમલ રમેશ કથિરિયા (રહે. હાલ કતાર, દુબઇ, મૂળ જામનગર) નામના બે ભાઇઓએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ જમીન પચાવી પાડયાના બનાવમાં ગિરધરભાઇ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. આ અરજીની ચકાસણી બાદ એએસપી પ્રતિભા તથા સ્ટાફએ ખેતીની જમીન પચાવી પાડયાની અરજીના આધારે લાલપુર પોલીસ સ્ટેશનમાં કૌટુંબિક બે શખ્સો વિરૂઘ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


