જામનગર શહેરમાં કોલેરાના કેસોમાં સતત વધારો ચિંતાજનક બની રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કુલ 20 કેસ નોંધાયા હતા, પરંતુ હવે વધુ બે નવા કેસ નોંધાતા કુલ સંખ્યા 22એ પહોંચી ગઈ છે. વધતા કેસોને કારણે આરોગ્ય વિભાગમાં ભારે ચકચાર મચી છે.
માહિતી મુજબ શહેરના વોર્ડ નંબર 1 હેઠળ આવેલા ધરારનગર વિસ્તારમાં કોલેરાનો પ્રકોપ વધુ ગંભીર બનતો જાય છે. 23 દિવસની બાળકીને કોલેરા પોઝિટિવ નોંધાયો છે. અહીં અગાઉથી જ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે અને હવે નવા કેસો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી સતત સર્વેલન્સ, દવાઓનું વિતરણ, ક્લોરિન યુક્ત પાણી અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં નોંધાયેલા બે કેસોમાં નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ તમામ દર્દીઓની સ્થિતિ પર નજર રાખી જરૂરી સારવાર શરૂ કરી છે.
ચિંતાની બાબત એ છે કે શહેરની બહાર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોલેરાની એન્ટ્રી થઈ ગઈ છે. જામનગર નજીક નાઘેડી ગામમાં પણ કોલેરાનો કેસ નોંધાતા ગ્રામ્ય આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. નવ માસની બાળકીને કોલેરા પોઝિટિવ કેસ નોંધાયો છે. ગામોમાં પણ આરોગ્ય ટીમો દ્વારા ઘર-ઘર સર્વે, પાણીના નમૂના ચકાસણી અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આરોગ્ય અધિકારીઓએ નાગરિકોને ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવા, બહારનું ખોરાક ટાળવા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.
શહેરના ધરારનગર વિસ્તાર તેમજ નાઘેડી ગામમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. જો યોગ્ય સાવચેતી ન રાખવામાં આવે તો કેસોમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કુલ મળીને જામનગરમાં કોલેરાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે અને 22 કેસ સાથે આરોગ્ય તંત્ર માટે મોટો પડકાર ઊભો થયો છે. આગામી દિવસોમાં સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવશે.


