જામનગર શહેરમાં આજે સવારે સાત રસ્તા સર્કલ નજીક આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ સામે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાથી થોડો સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, એક કાર ચાલક ડિવાઈડર પાસે અચાનક રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ની બસ અચાનક બ્રેક લગાવ્યા છતાં કારને પાછળથી અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.
View this post on Instagram
અકસ્મતમાં કારને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થવા પામી નથી. બસમાં બેઠેલા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


