કાલાવડ તાલુકાના પીપર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં પરિવારની 11 વર્ષની બાળકી પીપર ગામમાંથી વાડીએ જતી હતી ત્યારે ચારથી પાંચ જેટલાં કૂતરાંઓએ શરીરે, માથામાં, ગળામાં બચકાં ભરી લેવાથી ગંભીર ઇજા પહોંચતા બાળકીનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખરખડી તાલુકાના પટેલફળીયું ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામની સીમમાં આવેલી અશોકભાઇ રાંકની વાડીમાં ખેતમજૂરી કામ કરતાં સુરલાભાઇ વેસ્તાભાઇ કનેશ નામના યુવાનની પુત્રી રાજલબેન સુરલાભાઇ કનેશ (ઉ.વ.11) નામની બાળકી ગત્ તા. 06ના રોજ શુક્રવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં પીપર ગામમાં આવેલી દુકાનેથી ભાગ લઇને પરત મોટા ભાડુતિયા ગામ તરફના રોડ પર આવેલી વાડીએ જતી હતી. તે દરમિયાન પટેલ સમાજની વાડી પાસે બાળકી ઉપર અચાનક ચારથી પાંચ જેટલાં કૂતરાંઓ કુદ્યા હતાં. માસુમ બાળકીને શરીરે, માથામાં, કાન પાછળ, ગળામાં તથા હાથ-પગમાં આડેધડ બચકાં ભરતાં બાળકી લોહીલુહાણ થઇ ગઇ હતી. ત્યારબાદ સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લાભરમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ અસહ્ય બની રહેતાં લોકો લાચાર બની ગયા છે અને કોઇપણ ગામ, શહેરમાં શેરીએ-શેરીએ ડઝન જેટલાં ડાઘિયાઓના કારણે લોકો વિસ્તારમાંથી પસાર થતાં પણ ફફડતા હોય છે. અસહ્ય બની ગયેલાં કૂતરાંઓનો ત્રાસ દૂર કરવા તંત્રએ ગંભીરતા દાખવી લાંબા ગાળાનું આયોજન અને કૂતરાંઓથી શહેરીજનોને બચાવવા આયોજન કરી કૂતરાંઓને શહેરથી દૂર ખસેડવા કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે.


