જામનગર સહિત સમગ્ર રાજ્યનું વાતાવરણ ઠંડી તરફ વધી રહ્યું છે. જામનગર શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીની અસર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં 24 કલાકમાં 3 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડીને પરિણામે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. તેમજ તાપણાનો પણ સહારો લઇ રહ્યાં છે. જામનગર શહેરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રુમના જણાવ્યાનુસાર જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું. રવિવારે પુરા થતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 15.8 ડિગ્રી નોંધાયા બાદ આજે સોમવારે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે 12.5 ડિગ્રીએ પહોંચી જતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. ખાસ કરીને વ્હેલી સવારે તથા મોડીરાત્રે વાતાવરણ ભારે ઠંડક જોવા મળી હતી. ઠંડીની અસર વધતી જતાં લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યાં છે. વ્હેલી સવારે તથા મોડીરાત્રે કામધંધાથી આવતાં તથા જતાં લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતાં. તેમજ રાત્રીના સમયે શહેરીજનો તાપણાનો સહારો લઇ રહ્યાં છે. આ ઉપરાંત ગરમ ચા-કોફી, સુપ, કાવો સહિતના પીણાઓ પણ શહેરીજનો પી રહ્યાં છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓમાં પણ ઉધીંયા સહિતની ખાણીપીણીની મહેફીલો જામી રહી છે.