જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં સેન્ટીંગ કામ કરતા યુવાનનું સીડી પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જામ વણથલી ગામના વતની અને હાલ ઠેબા બાયપાસ પાસે આવેલી સરદાર સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઈ રામજીભાઈ મણવર (ઉ.વ.37) નામનો યુવાન ગત તા.4 ના રોજ સવારના સમયે રણજીતસાગર રોડ પર આવેલી જે.જે. જશોદા નામની સોસાયટીમાં સેન્ટીંગ કામ કરતા સમયે સીડી પાસેથી નીચે પડી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે અમીત ગોહિલ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.