ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શીરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા રખ પાંચમના મેળા (શિરૂ તળાવના મેળા)નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના થનાર છે. આગામી તારીખ 6 થી 9 સપ્ટેમ્બર સુધી ચાર દિવસના યોજનારા આ લોકમેળા માટે ગુરુવારે યોજાયેલી પ્લોટોની જાહેર હરાજીમાં તમામ 168 પ્લોટની બોલી બોલાઈ હતી. જેમાં શક્તિનગર ગ્રામ પંચાયતને રૂપિયા 80.10 લાખ રૂપિયાની આવક થશે.
ખંભાળિયા શહેરમાં વર્ષો અગાઉ યોજાતા સાતમ, આઠમ, નોમ તેમજ તેરસ, ચૌદસ અને અમાસના શ્રાવણી લોકમેળા છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નથી. પરંતુ દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ ચોથ અને પાંચમના લોકમેળા શહેર નજીકના શિરૂ તળાવ (શક્તિનગર) વિસ્તારમાં યોજાય છે. આ પરંપરાગત લોકમેળાની ખ્યાતિ મીની તરણેતરના મેળા જેવી બની ચૂકી છે. અહીં જુદા જુદા પ્રાંતમાંથી આવતા વિવિધ ચકડોળ તેમજ મનોરંજનના સાધનો ઉપરાંત રમકડા, ખાણી-પીણી વિગેરે ખંભાળિયા ઉપરાંત આસપાસના લોકો માટે મહત્વનું મનોરંજન સાબિત થાય છે. ત્યારે આ લોકમેળાના આયોજન થકી થતી આવક ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં વપરાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજાયેલા શીરૂ તળાવના લોકમેળાનું આયોજન આગામી તારીખ 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ચાર દિવસ કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસનની સંપૂર્ણ દેખરેખ હેઠળ ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ઊભા કરવામાં આવતા વિવિધ સ્ટોલ માટેની હરાજી ગુરુવારે સવારથી યોજવામાં આવી હતી. મેળાના ગ્રાઉન્ડ ખાતે શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલી આ હરાજીમાં જિલ્લા પંચાયતના અધિકારી તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર સિંગરખીયા, ટીડીઓ શેરઠીયા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાના સ્થળે કુલ 168 પ્લોટ બનાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ 1 નંબરના પ્લોટ માટેની બોલી રૂ. 2,00,000 ની બોલાઈ હતી. જોકે તેની અપસેટ પ્રાઈઝ રૂપિયા 51 હજાર હતી. તેની સામે ગ્રામ પંચાયતને બે લાખ રૂપિયાની આવક થવા પામી હતી.
જ્યારે સૌથી નીચી કિંમતની બોલી પ્લોટ નંબર 124 ની રૂપિયા 14,000 રહી હતી. જે કોઈ પ્લોટની કિંમત ઓછી બોલાય તેની હરાજી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તમામ 168 પ્લોટની હરાજી અપસેટ પ્રાઇસ કરતા ઉંચી કિંમતે થતા કુલ રૂપિયા 80,09,900 ની આવક થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રેકોર્ડ રૂપિયા 87 લાખથી વધુની રકમ હરાજી મારફતે ગ્રામ પંચાયતને મળી હતી. જો કે આ વખતે કોઈ દુર્ઘટના સર્જાય તે માટે સાવચેતીના પગલાં રૂપે બે લાઈન વચ્ચે 10 ફૂટનો વધારાનો રસ્તો મુકવામાં આવતા ગત વર્ષના 182 પ્લોટની સરખામણીમાં આ વખતે 14 પ્લોટ ઓછા ઉતર્યા હતા અને 168 પ્લોટ મારફતે રૂપિયા 80.10 લાખ જેટલી રકમ ઉપજવા પામી છે.
પ્લોટની જાહેર હરાજીનું આ સમગ્ર આયોજન ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી પી.ડી. વિંઝુડાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ હરાજીમાં ધોરાજી, ઉપલેટા, પોરબંદર સહિતના જુદા જુદા સ્થળોએથી લોકો આવ્યા હતા અને ઊંચી બોલી બોલીને હરાજી મારફતે પ્લોટ મેળવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આ વખતે મેળાના 14 દિવસ અગાઉ હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેથી પ્લોટ ધારકોને લાયસન્સ, સર્ટિફિકેટ વિગેરેની પ્રક્રિયા માટે પૂરતો સમય મળી રહે. ગત વર્ષે આ હરાજી મેળાના સાત દિવસ પહેલા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં ખંભાળિયા શહેર તથા તાલુકા ઉપરાંત જિલ્લાની આસપાસના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડે છે અને મોડી રાત્રી સુધી આ લોકમેળામાં મહાલે છે.