દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવડ વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ શખ્સો એ આ જ ગામના ભરવાડ યુવાન સાથે પાકિસ્તાન અંગે કંઈ ખરાબ ન બોલવાનું કહી, તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સો સોશિયલ મીડિયા એપ મારફતે પાકિસ્તાનના લોકો સાથે સંપર્કમાં હોવાનું પણ ખુલવા પામ્યું છે.

આ ચકચારી બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને દેશની રક્ષા માટે ભારતીય જવાનો પાકિસ્તાન સાથે સરહદ પર લડી રહ્યા છે. જેમાં ભારતના વિજયની પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે રહેતા મુકેશભાઈ રણમલભાઈ ખીંટ નામના 28 વર્ષના ભરવાડ યુવાન બે દિવસ પૂર્વે રણજીત પરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં પોતાના મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા હતા. તેમાં ભારત – પાકિસ્તાનના યુદ્ધના વિડીયો આવ્યા હતા. તે સમયે અહીં દુકાનમાં કામ કરી રહેલા ભેનકવડ ગામનો નુરમામદ ઉમર હિંગોરા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી મુકેશભાઈની સાથે ઉગ્ર ચાલી કરી અને પાકિસ્તાન વિરુદ્ધ કંઈ બોલવું નહીં તે બાબતે કહ્યું હતું.
આ પછી અન્ય એક આરોપી એવો હુસેન સુમાર હિંગોરાએ ફરિયાદી મુકેશભાઈને મોબાઈલ ઉપર ફોન કરીને ઉપરોક્ત બનાવ અંગે આરોપી નુરમામદના પક્ષમાં સમર્થન કરી, ફોનમાં ઉશ્કેરણીજનક વાતચીત કરી, બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહી, આરોપીઓએ ફરિયાદી યુવાનને રણજીતપરા વિસ્તારમાં આવેલી એક પાનની દુકાને બોલાવી અને બંને આરોપી નુરમામદ ઉમર અને હુસેન સુમારએ જો તેઓ પાકિસ્તાન વિશે કાંઈ બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ બનતા ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા સર્વેલન્સ સ્ટાફના જવાનોએ તાકીદે આ સ્થળે દોડી જઈ અને આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા અંગેની કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં, આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોન ચેક કરતા તેઓ પાકિસ્તાનના ઘણા શખ્સો સાથે વોટ્સએપ, ફેસબૂક સહિત અલગ અલગ સોશિયલ મીડિયા એપ્લિકેશનથી સંપર્કમાં હોવાનું પણ ખુલવા પામ્યું હતું. જે દિશામાં પણ પોલીસે તપાસ આગળ ધપાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડના પી.એસ.આઈ. પી.જે. ખાંટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી, પી.એસ.આઈ. પી.જે. ખાંટ, એન.એસ. વાળા, પી.એમ. ગોરફાડ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.