જામનગર શહેરના જનતા ફાટક નજીક નંબર પ્લેટ વગરનો બેફામ ચાલતા ટ્રક હડફેટે આવી જતાં યુવાનનું ચકડાઇ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યાના બનાવ બાદ લોકો એકઠા થઇ ગયા હતાં.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા મુખ્ય માર્ગો પર ભારે વાહનો બેફામ અવર-જવર કરતા હોય છે અને આ વાહનોને કારણે અનેક અકસ્માતો થતાં રહે છે. તેમ છતાં ભારે વાહનો શહેરમાં પ્રવેશવાની મંજૂરી ન હોવા છતાં આવા વાહનો બેખોફ પરિવહન કરે છે. દરમ્યાન ગઇકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં જામનગરના જનતા ફાટક નજીકથી પસાર થઇ રહેલા નંબર વગરના ટ્રક હેઠે યુવાન આવી જતાં ચકડાઇ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાના કારણે જાહેર રોડ પર લોકો એકઠા થઇ ગયા હતાં. આ બનાવ અંગેની જાણ થતાં હે.કો. એન.બી.સદાદિયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા મૃતક વિજય કાનજીભાઇ ગોહિલ (ઉ.વ.36)નો હોવાનું ખુલ્યું હતું અને મૃતક યુવાને ટ્રક હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગે મૃતકના પિતા કાનજીભાઇના નિવેદનના આધારે પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


