જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર ખોડીયાર માતાના મંદિર સામે રહેતા નીતાબેન લખમણભાઇ બાંભણીયા ગત તા.24-10-2025ના રોજ પોતાના ઘરને તાળુ મારીને જતાં હતાં ત્યારે તેના પાડોશી ઉષાબા દિગુભા ઉર્ફે વિજયસિંહ જાડેજા કહેવા લાગ્યા હતાં કે આના કારણે તેનો ઘરવાળો જતો રહ્યો છે જેથી ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે તમારે શું છે આ વાત સાંભળીને વિજયસિંહ ચંદુભા જાડેજા, ચંદુભા ધીરૂભા જાડેજા, ભરતસિંહ ચંદુભા જાડેજા ઉશ્કેરાઇ જઇ ફરીયાદી નીતાબેનને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. આ દરમિયાન વિજયસિંહએ ફરિયાદી નીતાબેનને માથામાં લાકડાનો ધોકો મારી દેતા તેણીને માથામાં લોહી નિકળવા લાગ્યા હતાં અને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે નીતાબેન દ્વારા ઉષાબા દીગુભા ઉર્ફે વિજયસિંહ જાડેજા, વિજયસિંહ ચંદુભા જાડેજા, ચંદુભા ધીરૂભા જાડેજા, ભરતસિંહ ચંદુભા જાડેજા સહિત ચાર શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા સીટી સી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ જામનગરના ગુરૂદ્વારા ચોકડી નજીક ટ્રોમાં શોરૂમ પાસેથી વિક્રમભાઇ દિનેશભાઇ જેઠવા પોતાનું મોટરસાઇકલ પસાર થઇ રહ્યા હોય આ દરમિયાન સાહિદ ફિરોઝ ખીરા તથા અન્ય બે શખ્સોએ ચાલુ વાહને જ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ફરિયાદી વિક્રમ સાથે સમીન શબીર જુમાણીએ બે વર્ષ પૂર્વે સાહિદ ખીરાના મોટાભાઇ વિરૂઘ્ધ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. તેમજ સાહિદે ફરિયાદ પાછી લઇ લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ જામજોધપુરના ચુર ગામે બેસતા વર્ષની બપોરે જમીનમાં દબાણ બાબતે ચાલતા કોર્ટ કેસના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે હથિયારો વડે અથડામણ થયા અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે. તા.22ના રોજ બપોરના સમયે ચુર ગામમાં મોમાઇ માતાના મંદિર પાસેથી બાઇક લઇને નિકળેલા પ્રદિપસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ જાડેજા અને તેની સાથે રહેલા હિતેન્દ્રસિંહ રઘુવીરસિંહ નામના બે વ્યકિતઓ ઉપર ત્રણ શખ્સોએ પથ્થરોના છુટા ઘા કર્યા હતાં. અને અન્ય ચાર શખ્સો તલવાર અને લોખંડના પાઇપ લઇ દોડી આવી હુમલો કર્યો હતો. ફરિયાદી પ્રદિપસિંહને કુહાડી અને તલવારનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. ફરિયાદીની વાડીના રસ્તામાં નીતેશસિંહ ગંભીરસિંહએ દબાણ કર્યુ હોય જે બાબતે ફરિયાદીએ તેની વિરૂઘ્ધ મામલતદારની કોર્ટમાં કેસ કરતા જેનું મનદુ:ખ હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. તેમજ ફરિયાદીનો મોબાઇલ ફોન તથા રૂા.35000ની રોકડ કાઢી લઇ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રદિપસિંહ દ્વારા ઇન્દ્રજીતસિંહ નીતેશસિંહ, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, વિજયસિંહ નવલસિંહ, નીતેશસિંહ ગંભીરસિંહ, રાજેન્દ્રસિંહ કલુભા, દિનેશસિંહ ગંભીરસિંહ તથા સિઘ્ધરાજસિંહ પ્રવિણસિંહ નામના સાત શખ્સો વિરૂઘ્ધ જામજોધપુરમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે દિનેશસિંહ ગંભીરસિંહ જાડેજાએ પ્રદિપસિંહ ઉર્ફે પદુભા જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ રઘુભા જાડેજા સામે માથામાં લોખંડના પાઇપનો ઘા મારી ઇજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી દિનેશસિંહના નાના ભાઇ નિતેશસિંહએ ત્રણેક વર્ષ પૂર્વે ચુર ગામના મહાદેવગીરી તથા ભીખુગીરી બાવાજી પાસેથી 25 વિઘા જમીન ખરીદી હતી. અને તેમાં ફેન્સીંગ કરી હોય જમીનની બાજુમાં નીચે નદીમાંથી આરોપી પ્રદિપસિંહ ઉર્ફે પદુભા જાડેજા તથા મહેન્દ્રસિંહ જાડેજાનો વાડીએ આવવા – જવાનો રસ્તો આવેલો હોય પરંતુ આરોપીઓને રસ્તો ફરિયાદીએ ખરીદેલ જમીનમાં કાઢવો હોય અને ચારેક મહિના પૂર્વે આરોપીઓએ રસ્તા બાબતે જામજોધપુર મામલતદાર અરજી કરી હોય જેથી બન્ને પક્ષે મનદુ:ખ ચાલતુ હોય અને અગાઉ ફરિયાદીના ભાઇને આરોપીઓ સાથે બોલાચાલી થઇ હોય જેથી ફરિયાદી દિનેશસિંહ ગામમાં પાનની દુકાને મસાલો ખાવા માટે આવ્યા હોય પરત ઘરે જતી વખતે આરોપીઓએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો બનાવ જામનગરના બેડી વિસ્તારમાં આઝાદ ચોક વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા દિલાવર સલીમ પાલાણી નામના યુવાનને આરીફ સુમરા તથા તેના મિત્ર બાબો સુમરાએ પૈસાની લેતીદેતી મામલે ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પૈસાની ઉઘરાણી કરવા આવેલ શખ્સોએ અપશબ્દો બોલી ઝાપટો મારી બાઇકમાં રહેલ ચાવીમાં રહેલ છરી વડે છેકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિલાવરભાઇ દ્વારા સીટી બી પોલીસ સ્ટેશનમાં આરીફ સુમરા અને બાબો સુમરા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચમો બનાવ જામનગરમાં 49 દિગ્વીજય પ્લોટ મામા સાહેબની મંદિરવાળી શેરીમાં રહેતા અનીલભાઇ લહેરીલાલ દામા કૂતરાની સેવા કરતા હોય અને વાલ્મીકીવાસ ચોકમાં કૂતરાના કાન સડી ગયા હોવાનું કહેતા ફરિયાદી ત્યાં કૂતરાની સેવા કરવા જતાં તકદીર ઉર્ફે પપ્પુ રાજુ મકવાણાએ ચોકમાં આવવાની ના પાડી અપશબ્દો બોલ્યા હતાં. ફરી તા.20ના રોજ 49 દિગ્વીજય પ્લોટ દાતાર ઇંડાકળીની રેકડીએ ઉભા હોય આદિત્ય ઉર્ફે સુમરો રાજુ મકવાણા તથા શન્ની શ્યામ ઝાલા પોતાની મોટરસાઇકલ લઇ આવી ફરિયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. શનીએ તેના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને છરીનો ઘા ઝીકી દીધો હતો. અને આદિત્યએ અમારા ચોકમાં આવતો નહીં નહીતર જાનથી પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે અનીલભાઇ દ્વારા સીટી એ ડિવિઝનમાં તકદીર ઉર્ફે પપ્પુ રાજુ મકવાણા, આદિત્ય ઉર્ફે સુમરો રાજુ મકવાણા તથા શની શ્યામ ઝાલા નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
છઠ્ઠો બનાવ જામનગરના સુમરી ધુતારપુર ગામ ખાતે આવેલ જીનાતડાડાના મંદિર પાસે સુરેશ ચૌહાણ તથા વિપુલ ચૌહાણ નામના બે શખ્સોએ ફરિયાદી રવજીભાઇ જીવાભાઇ ચૌહાણના દિકરા અશ્વિનભાઈને કહેલ કે તુ એક વર્ષ પહેલા તેની પત્નીને કેમ ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના દિકરાને અપશબ્દો બોલી બન્નેએ ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રવજીભાઇ દ્વારા પંચ એ પોલીસ સ્ટેશનમાં સુરેશ ચૌહાણ તથા વિપુલ ચૌહાણ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.


