જામનગર ગ્રામ્ય અને સિકકા તથા જીઆઇડીસી સબડિવિઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 38 ટીમો દ્વારા 19 લોકલ પોલીસ 17 એસઆરપી સાથેના બંદોબસ્ત વચ્ચે ત્રીજા દિવસે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન અધિકારી ઉપર હુમલો કરવામાં આવતાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે વીધિવત પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સોમવારે અને મંગળવારે બે દિવસ દરમ્યાન 52.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.
હાલ દિવાળીના તહેવારો નજીકના દિવસોમાં આવી રહ્યા છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ સોમવારથી વિજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે પણ પીજીવીસીએલની 38 ટીમો દ્વારા 19 લોકલ પોલીસ અને 17 એસઆરપીના જવાનો તથા ત્રણ વિડિયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે સિકકા, જામનગર ગ્રામ્ય અને જીઆઇડીસી સબ ડિવિઝનના ઢિંચડા રોડ સોસાયટી, 49 દિગ્વિજય પ્લોટ વિશ્રામ વાડી, હનુમાન ટેકરી અને શહેરના વિસ્તારો તેમજ સિકકા ગામમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વીજચેકિંગ દરમ્યાન પીજીવીસીએલના અધિકારી ઉપર હુમલો થયો હતો. આ હુમલાના બનાવ બાદ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઉપરાંત સોમવારે પીજીવીસીએલની 43 ટીમો દ્વારા 16 એસઆરપી અને 24 પોલીસકર્મી તથા 3 વિડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના ખંભાળિયા ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝનના સાધનાકોલોની, જેલરોડ અને ગોકુલનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી દરમિયાન કુલ 656 વીજજોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 124 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.28.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા અને મંગળવારે 37 ટીમો દ્વારા પટેલ કોલોની, દરબારગઢ અને સાતરસ્તા સબ ડિવિઝનના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન કુલ 520 જોડાણો તપાસવામાં આવ્યા હતા. તે પૈકીના 104 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.23.70 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.પીજીવીસીએલ ટીમો દ્વારા બે દિવસ દરમિયાન કુલ 228 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.52.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.