નિકાવા અને કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામના બે ખેડૂતો સાથે રાજકોટના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી લાચારીનો ગેરલાભ ઉઠાવી 32.80 લાખ વ્યાજે આપી બન્નેની ખેતીની જમીન બળજબરીથી પચાવી પાડવા તથા પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિશ્વાસઘાત અને વ્યાજખોરીના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકામાં નિકાવા પીપર ગામના રસ્તે ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા પરેશ વલ્લભભાઇ સોજીત્રા (ઉ.વ.44) નામના ખેડૂતની આર્થિક સંકળામણ અને લાચારીનો ગેરલાભ ઉઠાવી રાજકોટના અલ્પેશ ગોવિંદ દોંગા, અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુ વીરા ડાંગર (થાન) અને રણજીત કાનજળુ (થાન) સહિતના પાંચ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી અલ્પેશે પરેશને ખેતીની લોન પેટે 2.5 ટકાના માસિક વ્યાજે 20 લાખ રૂપિયા આપ્યા હતાં. આ વ્યાજની રકમ પેટે પાંચેય શખ્સોએ ગેરકાયદેસર વ્યાજ વસૂલી પરેશભાઇની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો તેમજ વ્યાજ પેટે 50 હજાર રૂપિયા વસુલ્યા હતાં. ઉપરાંત વાઘુ વીરા ડાંગર તથા રણજીત કાનજળુએ જમીન પરત કરવાના નામે ખેડૂત પાસેથી રૂા.63,40,000 ચેકથી અને વાઘુને રૂા.61,60,000 આપ્યા હતાં. આમ આ વ્યાજખોરોએ ખેડૂત પાસેથી કુલ રૂા.1,25,50,000 બળજબરી પૂર્વક પડાવી લઇ છેતરપીંડી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ખેડૂત પરેશભાઇએ પોલીસમાં જાણ કરતાં પી.આઇ. એન.વી.આંબલિયા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ અન્ય બનાવમાં કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામના જમનભાઇ ધનાભાઇ વસોયા (ઉ.વ.66) નામના ખેડૂત વૃધ્ધને અલ્પેશ ગોવિંદ દોંગાએ પૂર્વ આયોજિત કાવતરું રચી જમનભાઇની ખેતીની જમીનનો દસ્તાવેજ ધર્મેન્દ્ર મીઠા ઠેસિયા તથા નાગજી માધા નસીતના નામે કરાવડાવી આ બન્ને શખ્સોએ જમનભાઇને 2.75 ટકાના માસિક વ્યાજે રૂા.12,80,000 આપ્યા હતાં. આ રકમ પેટે અલ્પેશ દોંગાએ વૃધ્ધ ખેડૂત પાસેથી રૂા.3,87,200 ની પઠાણી ઉઘરાણી કરી વસૂલ્યા હતાં તેમજ મૂળ રકમ રૂા.13 લાખ વૃધ્ધ ખેડૂતને ડરાવી અને ધમકાવી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક જમા કરાવ્યા હતાં. આમ ત્રણેય શખ્સોએ વૃધ્ધ ખેડૂત પાસેથી કુલ રૂા.16,87,200 પડાવી લીધા હતા અને ઉપરાંત ખેડૂતની જમીન પણ બળજબરીથી કઢાવી લેવા તથા ખાલી કરાવવા ધાક-ધમકી આપી હતી.
આ બનાવ અંગે જમનભાઇ દ્વારા કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પી.આઇ. પી.ટી.જયસ્વાલ તથા સ્ટાફે રાજકોટના ત્રણ શખ્સ વિરૂધ્ધ પૂર્વઆયોજિત કાવતરું, લેન્ડ ગ્રેબીંગ અને નાણા ધીરનારની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


