જામનગર શહેરની નીલકમલ સોસાયટીમાં જાહેરમાં આઇપીએલની રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેના મેચ ઉપર જુગાર રમાડતાં શખ્સને રૂા. 47,700ના મુદામાલ સાથે અને ગોકુલનગરમાંથી જુગાર રમાડતાં શખ્સને રૂા. 6800ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં નીલકમલ સોસાયટીની ક્રિષ્ના સ્કૂલની બાજુમાં જાહેરમાં આઇપીએલ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગઇકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચાલી રહેલા મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં ક્રિકેટનો જુગાર રમાડતા જયંતકુમાર મહેન્દ્રભાઇ ગુસાણી (ઉ.વ.58) નામના શખ્સને પોલીસે રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 42,750ની રોકડ રકમ મળી કુલ રૂા. 47,750ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બીજો દરોડો જામનગરના ગોકુલનગર જકાત નાકા પાસે જાહેરમાં મોબાઇલ ફોનમાં ક્રિકેટના લાઇવ પ્રસારણ ઉપર હાર-જીતનો જુગાર રમાડતાં નિલેશ ધીરજભાઇ વડેરા (ઉ.વ. 45) નામના શખ્સને રૂા. 1800ની રોકડ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 6800ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં નિલેશ આ જુગારની કપાત મનુભાઇ સિંધી (જામનગર) પાસે કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


