Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 315 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 315 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે શખ્સો ઝડપાયા

મુળ નાઈજીરીયાના શખ્સની દિલ્હીથી ધરપકડ, સલાયાનો પણ એક શખ્સ ઝબ્બે: પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયા

- Advertisement -

ખંભાળિયા શહેર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચારી બનેલા અહીંના ડ્રગ્સ પ્રકરણમાં વિવિધ સઘન તપાસ અને ઊંડાણપૂર્વકની કાર્યવાહીમાં વિદેશ કનેક્શન પણ ખુલવા પામ્યું છે. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને કેટલીક મહત્ત્વની કડી સાંપડી છે. આ પ્રકરણમાં પોલીસે એક નાઈજીરીયન શખ્સની દિલ્હીથી ધરપકડ કરી હતી અને અન્ય એક નાઈજીરીયન શખ્સનું નામ ખુલવા પામ્યું છે. આ ઉપરાંત સલાયાના એક મુસ્લિમ શખ્સની પણ ધરપકડ કરી, ઝડપાયેલા બન્ને શખ્સોને પાંચ દિવસના રીમાન્ડ પર લીધા છે.

- Advertisement -

આ સિલસિલાબંધ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા- જામનગર હાઈ-વે માર્ગ પર ગત તા. 9 નવેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે ખંભાળિયાથી મુંબઈ તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે જઈ રહેલા થાણેના રહીશ સજ્જાદ સિકંદર બાબુ ઘોસી નામના 44 વર્ષના મુસ્લિમ શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઝડપી લઇ, ત્રણ બેગમાં છુપાવીને લઈ જવાતો રૂ. 88.25 કરોડની કિંમતનો 17.651 કિલોગ્રામ હેરોઈન તથા મેથાએમફેટામાઈન નમના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ શખ્સની કરવામાં આવેલી આગવી ઢબે પુછપરછમાં તેણે આ જથ્થો સલાયાના રહીશ સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા નામના બંધુઓ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે સલાયાના કારા બંધુઓના રહેણાંક મકાનમાં દરોડો પાડી, વધુ રૂપિયા 225 કરોડની કિંમતનો 46 કિલો હેરોઈન સહિતનો માદક પદાર્થ કબજે કર્યો હતો.

આમ, કુલ રૂપિયા 315 કરોડની કિંમતના 63 કિલોથી વધુ ઝડપાયેલા આ નશીલા પદાર્થને કુખ્યાત કારા બંધુઓની સુચના મુજબ પાકિસ્તાનની જળસીમામાંથી ફિશીંગ બોટ મારફતે સલામતીપૂર્વક સલાયા બંદરે લઈ આવનાર સલાયા ખાતે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ ઉમર જુસબ જસસાયા અને ઈરફાન ઉમર જુસબ જસરાયા નામના વધુ બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા સાડા દસ લાખની કિંમતની બે મોટરકાર તથા એક બોટ કબજે કરી અને મુંબઈના સજ્જાદ ધોસી અને સલાયાના કારા બંધુઓને નવ દિવસના તેમજ માદક પદાર્થ લઈ આવનાર જસરાયા બંધુઓને સાત દિવસના રીમાન્ડ પર લીધા છે. આ તમામ પાંચ શખ્સોના રિમાન્ડ આવતીકાલે શનિવારે પુર્ણ થનાર છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલા આ અતિ ચકચારી પ્રકરણની તપાસમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા અતિ ગુપ્તતાપૂર્વક સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં વધુ કેટલીક સિલસિલાબંધ વિગત પ્રકાશમાં આવી છે.

ડ્રગ્સ પ્રકરણના રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી સલીમ કારા સહિતના શખ્સોની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે રહેતા અને મૂળ નાઈજીરીયાના રહીશ એવા લક્કી નામના એક શખ્સને આપવામાં આવનાર હોવાનું પણ ખુલવા પામ્યું છે. આ શખ્સ ડ્રગ્સ અંગેની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાના પ્રાથમિક અહેવાલો વચ્ચે તેની વધુ વિગત મેળવવામાં આવી રહી છે.

- Advertisement -

આ મહત્વના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા મુંબઈ સહિતના વિસ્તારોમાં તપાસ લંબાવવામાં આવી છે.

પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછમાં હાલ ન્યુ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારના રાજાપુરી ખાતે રહેતા અને સલૂન ચલાવતા ચીજીઓકે અમોસ પૌલ ન્વગ્બરા ઉર્ફે સી.જે. નામના મૂળ નાઈજીરીયન શખ્સનું નામ પણ આ ડ્રગ્સની ખરીદારીમાં હોવાનું કબુલતા તપાસનીસ પોલીસે સી.જે. નામના 43 વર્ષીય શખ્સને દિલ્હીથી દબોચી લીધો હતો.
આ ઉપરાંત પોલીસ દ્વારા વધુ સધન પૂછપરછમાં ગત તારીખ 29 ઓકટોબરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નીકળી અને પાકિસ્તાનની બોર્ડર (આઈ.એમ.બી.એલ.) પાસેથી ફારૂકી- 1 નામની બોટમાં લાવવામાં આવેલો હેરોઈન સહિતના માદક પદાર્થોનો જથ્થો તા. 7 નવેમ્બરના રોજ સલાયા બંદર ખાતે સહીસલામત રીતે ઉતારી અને ઠેકાણે પહોંચાડવા માટે સલાયામાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આમીન ઓસમાણ આમદ સેતા નામના 39 વર્ષના મુસ્લિમ વાઢા શખ્સનું નામ જાહેર કરાતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આમ, આ સમગ્ર પ્રકરણમાં વધુ બે શખ્સો ઝડપાયા છે. જેને પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડની માંગણી કરતાં અદાલતે બન્ને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સલીમની દુબઈ મુલાકાતમાં ઘડાયો હતો ડ્રગ્સની હેરાફેરીનો પ્લાન
આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મનાતા સલીમ કારાએ પૂછપરછમાં પોલીસ સમક્ષ આવેલી વિગત મુજબ થોડા સમય પહેલાં સલીમ દુબઈ ગયો હતો જ્યાં પાકિસ્તાનનો અને હાલ ઈરાનમાં રહેતો હાજી ફિદા હુસેન નામનો શખ્સ દુબઈના ચવ્હાર ખાતે સંપર્કમાં આવ્યો હતો. જ્યાં ડ્રગ્સની હેરાફેરી બાબતે સલીમે માહિતી મેળવી અને ત્યાંથી આ સમગ્ર પ્રકરણના મંડાણ થયા હતા. હાજી ફિદા હુસેન ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનની દરિયાઇ સીમા નજીક પહોંચાડી અને ત્યાંથી સલીમ તેની ડિલિવરી લઈ, ભારતમાં લઈ આવે તેવી બન્ને વચ્ચે ચર્ચાઓ થઈ હતી. દુબઈથી સલાયા પરત આવ્યા બાદ ડ્રગ્સની સપ્લાય અંગેનો સમગ્ર પ્લાન કર્યો હતો. જે અવારનવારની કોશિશ અને વિલંબ પછી આખરે અહીં સલામતીપૂર્વક લાવવામાં તેને સફળતા મળી હતી.
ઝડપાયેલા નાઈજીરીયન શખ્સની પૂછપરછ માટે દુભાષિયાની મદદ લેવાઈ
 

ઝડપાયેલો સી.જે. નામનો નાઈજીરીયન શખ્સ હિન્દી વ્યવસ્થિત રીતે બોલી ન શકતા તેની પૂછપરછ માટે પોલીસ દ્વારા દુભાષિયા નિષ્ણાતની પણ મદદ લેવામાં આવી છે. આ શખ્સોની પૂછપરછમાં વધુ કેટલીક વિગતો પર પ્રકાશ પડશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આમ, અહીં ઝડપાયેલા તોતિંગ રકમના વિશાળ જથ્થા સંદર્ભે સલાયા, મુંબઈ, દિલ્હી, પાકિસ્તાન તથા ઈરાન સુધીના સીધા કે આડકતરા કનેક્શન ખુલવા પામ્યું છે.
પાંચ આરોપીઓના રિમાન્ડ આજે પૂરા
અતિ ચકચારી એવા 315 કરોડથી વધુની કિંમતના આ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા મુંબઈના સજ્જાદ સિકંદર, સલાયાના સલીમ કારા અને અલી કારા નામના શખ્સોના નવ દિવસના તથા સલીમ ઉમર જસરાયા અને ઈરફાન ઉમર જસરાયાના સાત દિવસના રિમાન્ડ આજરોજ શનિવારે પૂરા થશે. જેના સંભવતઃ જરૂરિયાત મુજબ વધુ રિમાન્ડની માંગણી કરાશે.
ઝડપાયેલા નાઈજીરીયન શખ્સના પાસપોર્ટ અંગે તપાસ
દિલ્હીથી ઝડપી લેવામાં આવેલા સી.જે. નામના શખ્સના પાસપોર્ટની મુદત સંભવતઃ પૂર્ણ થઈ ચૂકી હોવાની બાબતે પણ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ પ્રકરણમાં જિલ્લા પોલીસને ચોકસાઈ કે ગુપ્તા વધુ પડતી..??

નાના એવા સલાયા ગામ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને હચમચાવી દેનારા આ ડ્રગ્સ પ્રકરણમાં જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસના ચક્રો એટલા ગુપ્ત અને ખાનગી રહે છે કે આ અંગેની વધુ કોઈ માહિતી મેળવી શકાતી નથી. આટલું જ નહીં, આ પ્રકરણમાં પોલીસ અધિકારીઓના ફોન પણ નો રીપ્લાય આવે છે. આ ગંભીર અપરાધમાં ઝડપાયેલા ગુનેગારોના મોં પણ કાળા કપડાથી ઢાંકી દેવામાં આવે છે. જ્યારે મોરબી સહિતના અન્ય ગુનાઓમાં આરોપીઓને પબ્લિક જોઈ શકે તે માટે મોઢા ખુલ્લા રાખવામાં આવે છે.

નાવદ્રા અને સલાયાના ડ્રગ્સ પ્રકરણને નો કનેક્શન…
સલાયા પંથકમાંથી દસ દિવસ પહેલાં ઝડપાયેલા રૂપિયા ત્રણ અબજથી વધુની કિંમતના ડ્રગ્સ તથા મોરબી ડ્રગ્સ પ્રકરણમાં જાહેર થયેલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામેથી વધુ ઝડપાયેલા રૂપિયા 120 કરોડની કિંમતના ડ્રગ્સ પ્રકરણને કોઈ કનેક્શન ન હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular