જામનગર-કાલાવડ ધોરીમાર્ગ ઉપર અલિયાબાડા ગામ નજીક ઇકો કાર પલ્ટી ખાઇ જતાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અંગે ઇકો કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જામનગરના બાડા ગામમાં રહેતાં મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાના પુત્રી માનસીબા (ઉ.વ.19) તથા કૈલાસબા (ઉ.વ.56) સહિત પરિવારના સભ્યો જીજે10 ડીઆર 3194 નંબરની ઇકો કારમાં બેસી જોગવડ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી દર્શન કરીને ઘરે પરત ફરતા હતા. દરમ્યાન તા. 10ના સાંજના સમયે જામનગર-કાલાવડ હાઇવે ઉપર અલિયાબાડા ગામના પાટિયા પાસે પહોંચતા ઇકો કારના ચાલકે પોતાની કારા બેફિકરાઇથી અને પૂર ઝડપે ચલાવતાં ઇકો કારનું ટાયર ફાટતાં કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં માનસીબા તથા કૈલાસબાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે ઇકો કારમાં સવાર અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આજુબાજુમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ પણ મદદ માટે ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા.
આ અંગે મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા દ્વારા જીજે10 ડીઆર 3194ના ચાલક કુલદીપસિંહ ધીરૂભા ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


