જામનગરમાં BAPS સ્વામીનારાયણ મંદિરે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે ચોપડાપૂજન, અન્નકૂટ ઉત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
BAPS સ્વામીનારાયણ મંદિર-જામનગર ખાતે દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે કોઠારી સ્વામી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તેમજ સંતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રવિસભા તથા ચોપડાપૂજનનું આયોજન કરાયું હતું. આ તકે જિલ્લા કલેક્ટર પી. બી. પંડયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પૂજ્ય કોઠારી સ્વામી ધર્મનિધિ સ્વામીએ મહાપૂજામાં સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામે તેવી પ્રાર્થના કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ સમૂહ આરતી કરી હતી.
View this post on Instagram
આ ઉપરાંત નૂતન વર્ષના પ્રારંભે સવારે મંગળા આરતી તેમજ શણગાર આરતીના દર્શન યોજાયા હતાં. ત્યારબાદ ભક્તોએ બનાવેલ 1400 વાનગીનો અન્નકૂટ અક્ષરપુરૂષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન અને ગુરૂ પરંપરા સમક્ષ ધરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતો, મહાનુભાવો અને ભક્તોના કંઠે થાળગાન કરવામાં આવ્યું અને ગોવર્ધન પૂજા તથા અન્નકૂટની પ્રથમ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના આઠ વાગ્યા સુધી દર કલાકે થતી આરતી અને અન્નકૂટ દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.


