દીપક ટોકિઝથી ચાંદીબજાર પોસ્ટ ઓફિસ સુધીના સીસી રોડ બનાવવાની કામગીરી મોકૂફ રાખવાની માંગણી સાથે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા કમિશનર દીપેશ કેડિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, દીપક ટોકિઝથી ચાંદીબજાર પોસ્ટ ઓફિસ સુધી સીસી રોડ બનાવવાની કામગીરીનું તા. 15-11-2026 થી તા. 20-12-2026 સુધી આયોજન કરાયું છે. હાલમાં બજારમાં મંદીનો માહોલ હોવાથી વેપારીઓ પહેલાંથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ સમયે રસ્તો બંધ રાખીને સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે તો વેપાર-ધંધાને મોટું આર્થિક નુકશાન થશે. તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડશે. વધુમાં જણાવાયું છે કે, આ માર્ગ પર પોસ્ટ ઓફિસ, બે મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળો આવેલા હોય આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે. તેમજ નાના-મોટા વ્યવસાયો આવેલા છે. રહેણાંક વિસ્તાર હોવાથી પણ રહેવાસીઓના દૈનિક જીવનને સીધી અસર કરી શકે છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે વેપાર-ધંધા પહેલાંથી જ મંદીનો સામનો કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વેપાર બંધ રાખવાની અથવા તો અવર-જવરમાં મુશ્કેલી થાય તો વેપારીઓ માટે આર્થિક સંકટ વધુ ગંભીર બની શકે છે.
વધુમાં જણાવાયું છે કે, છેલ્લા બે વર્ષના રેકોર્ડ અને વિકાસ કાર્યોની કામગીરીનો સમયગાળો ઘ્યાનમાં લેવામાં આવે તો અનેક કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી. આવી સ્થિતિમાં વેપારીઓ અને રહેવાસીઓએ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમજ જે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો છે ત્યાં પહેલાંથી જ ભારે ટ્રાફિકની સમસ્યા છે. આથી આ માર્ગ બંધ કરવામાં આવે અથવા અવર-જવર મર્યાદિત કરવામાં આવે તો વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય શકે છે. વિકાસનો વિરોધ નથી, પરંતુ વિકાસની સાથે સાથે વેપારીઓની રોજીરોટી અને રહેવાસીઓની સુવિધા સહિતની બાબતોને મહત્ત્વ આપવા માંગણી કરાઇ છે.
આથી અંતિમ નિર્ણય લેતાં પહેલાં વિસ્તારની મુલાકાત લઇ વેપારીઓ તથા રહેવાસીઓ સાથે ચર્ચા કરવા અને માઇનોર પેચવર્ક કરી રસ્તો સમથળ અને વાહનવ્યવહાર યોગ્ય બનાવવાની માંગણી સાથે કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


