જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તોફાની પવન સાથે એકાદ કલાકમાં જ પોણો ઇંચથી વધુ પાણી વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.
જામનગર સહિત હાલાર પંથકમાં આ વર્ષે મેઘરાજાના રીસામણા હોય તેઓ માહોલ સર્જાયો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આ વર્ષે સિઝનમાં જોઇએ તેવો વરસાદ નોંધાયો જ નથી. આ દરમિયાન ગઇકાલે હાલારના કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હજુ સુધી પુરતા પ્રમાણમાં વરસાદ થયો નથી અને નવલા નોરતાનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગઇકાલે બુધવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઇકાલે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળોના જમાવડા વચ્ચે વરસાદનું આગમન થયું હતું. ગાજવીજ સાથે લગભગ એકાદ કલાક જેવો સમય મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો.
કાલાવડ પંથકમાં એકાદ કલાકના સમયમાં પોણો ઇંચ પાણી વરસી ગયું હતું. આ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. અન્યત્ર કોઇપણ તાલુકામાં વરસાદ જોવા ન મળ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.


