જામનગરના બેડીમાં સાંજના સમયે સરાજાહેર એડવોકેટ હારૂન પલેજા ઉપર સશસ્ત્ર હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષક દ્વારા સીટની રચના કરાયા બાદ બે હત્યારાઓને દબોચી લઇ રિમાન્ડ મેળવ્યા હતાં. દરમિયાન આજે વધુ એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુનભાઈ પલેજા ગત તા.13 ના સાંજના સમયે વાછાણી ઓઇલ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સોઓ સશસ્ત્ર જીવલેણ હુમલો કરતા એડવોકેટ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલાખોરો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ એડવોકેટને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ એડવોકેટને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
એડવોકેટની સરાજાહેર કરાયેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. આ હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા (સુપરવીઝન), સીટી એ પીઆઈ નિકુંજ ચાવડા (તપાસનિશ અધિકારી), એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા અને છ થી સાત પોલીસ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ દરમિયાન પોલીસે બસીર જુસબ સાયચા, સિકંદર નુરમામદ સાયચા નામના બે શખ્સોને દબોચી લઇ પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી દિલાવર હુશેન કકલ નામના શખ્સને દબોચી લઇ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી.