જામનગર શહેરના લાખોટા તળાવમાં અનેક વખત પક્ષીઓના મોત નિપજવાની ઘટનાઓ બનતી રહે છે. તેવી જ રીતે આજે પણ પક્ષીઓના મોતની ઘટના બની છે. જેમાં અંદાજે 40 જેટલી ટીલીયાળી બતક અને એક ભગતડું (કુંટ) સહિતના પક્ષીઓના મોત નિપજતા મહાનગરપાલિકાની અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પક્ષીઓના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરની શાન એવા લાખોટા તળાવમાં અવાર-નવાર પક્ષીઓના મોત નિપજવાના બનાવો અનેક વખત બન્યા છે. દરમિયાન આજે સવારે પાછલા તળાવના ચબુતરા પાસેના ભાગમાં અનેક પક્ષીઓના મોત નિપજ્યાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં સ્થળ પરથી અંદાજે 40 જેટલી ટીલીયાળી બતક અને એક ભગતડું (કુંટ) સહિતના પક્ષીઓના મૃતદેહો મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી તેમજ એક બ્લેકવિંગ સ્ટીન્ટ ઘવાયેલ હાલતમાં મળી આવ્યું હતું જેથી તેને સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. પક્ષીઓના મોત નિપજતા પક્ષીવિદોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો.
તંત્ર દ્વારા આ પક્ષીઓના મોત કયાં કારણોસર નિપજયા ? તે અંગેની તપાસ હાથ ધરી હતી. જો કે, પાછલા તળાવમાં શહેરીજનો દ્વારા ખોરાક ફેંકવામાં આવે છે અને આ ખોરાકમાં કોઇ એવી વસ્તુ આવી ગઈ હોય જેનાથી પક્ષીઓના મોત નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે.