જામનગર તાલુકાના બેડ ગામની નદીમાં ખાબકેલા બાઈકસવાર યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વિકટોરીયા પુલ નજીક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલી તિરૂપતિ પાર્ક 1 માં રહેતો અને મિસ્ત્રી કામ કરતો મિલનભાઈ હેમંતભાઈ રાવત (ઉ.વ.24) નામનો યુવાન ગત શુક્રવારે સવારના સમયે તેના બાઈક જામનગરથી ખંભાળિયા તરફ જતો હતો ત્યારે બપોરના સમયે જામનગર તાલુકાના બેડ ગામની નદીના પુલ પરથી પસાર થતો હતો તે દરમિયાન બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સાથે નદીમાં ખાબકયો હતો. આ બનાવની જાણ થતા ફાયર ટીમએ પોલીસને સાથે રાખી શોધખોળ આરંભી હતી.જોકે, બનાવના દિવસે શોધખોળ બાદ માત્ર યુવાનનું બાઈક જ મળી આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે ફાયર અને પોલીસ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાતા મિલનભાઈ રાવત નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હેકો સી ડી ગાંભવા તથા સ્ટાફે મૃતકના ભાઈ રાજેશના નિવેદનના આધારે મૃતદેહની ઓળખ કરી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના વિકટોરીયા પુલ પર આવેલી કુદરત રોડલાઈન્સના સટ્ટર નજીકથી શનિવારે બપોરના સમયે 42 વર્ષનો અજાણ્યા પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈસ્માઇલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.