View this post on Instagram
જામનગરના હાપામાં રખડતા ઢોરે બાળકીને હડફેટે લેતા બાળકીને ઈજાઓ પહોંચી હતી અને બાળકીને સારવાર આપવામાં આવી હતી. જેને લઇ બાળકીના પરિવારજનો તથા વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.
જામનગર શહેર અને જિલ્લામાં રખડતા પશુઓની વર્ષો જૂની સમસ્યા લોકોને સતાવી રહી છે. વર્ષો જૂની સમસ્યાના નિરાકરણમાં તંત્ર વામણુ પૂરવાર થયું હોય તેમ જોવા મળી રહ્યું છે. રખડતા ઢોરને કારણે અનેક લોકો હડફેટે આવ્યા છે તેમજ રખડતા ઢોરને કારણે અકસ્માતો બનવાના બનાવો પણ છાશવારે સામે આવતા હોય છે. અવાર-નવાર રખડતા ઢોરનો ભોગ જામનગરના નાગરિકો બનતા રહે છે. આમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય છે. આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરના હાપામાં આવેલ એલગન સોસાયટી માં રખડતા ઢોરે પાંચ વર્ષની બાળકીને હડફેટે લીધી હતી. આ રખડતા ઢોરે બાળકીને હડફેટે લેતા વિસ્તારના લોકો એકઠા થઈ જતા બાળકીને મહામહનતે રખડતા ઢોરથી છોડાવી હતી. રખડતા ઢોરે બાળકીને હડફેટે લઈ ઈજા પહોંચાડતા લોકોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતાં. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી. જેમાં આંખની નીચેના ભાગે ટાંકા આવ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે અવાર-નવાર રખડતા ઢોરને કારણે લોકોને ભોગ બનવું પડતું હોય, શહેરીજનોમાં રોષની લાગણી છવાઈ છે અને તંત્ર આ અંગે ગંભીરતા દાખવે તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.