લાલપુર તાલુકાના નવાગામમાં રહેતાં કોન્ટ્રાક્ટર યુવાન વિરૂદ્ધ સોશિયલ મિડિયામાં ખોટા આક્ષેપો કરી બદનામ કરવા અંગે પોલીસમાં કરેલી કાર્યવાહીનો ખાર રાખી યુવાનની જાહેરમાં ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી, “તને સરપંચ બનાવેલ છે મોટી ભૂલ છે.” તેમ કહી ગર્ભિત ધમકી આપ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના નવાગામમાં પ્લોટ નંબર નવમાં રહેતાં કોન્ટ્રાક્ટર હરિશભાઇ ગોવિંદભાઇ સાગઠિયા (ઉ.વ.27) નામના યુવાન વિરૂદ્ધ સોશિયલ મિડિયા અને ન્યૂઝમાં ખોટા આક્ષેપો કરી બદનામ કરવા સંદર્ભે હરિશભાઇએ કિશોર રાયશી ગોસરાણી વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી ગુરૂવારે બપોરના સમયે હરિશભાઇ તેની જીજે10 ઇએચ 9913 નંબરની કારમાં નવાગામની મુખ્ય બજારમાંથી પસાર થતા હતા ત્યારે ટ્રાફિકના કારણે રોડ ઉપર ઉભા હતા તે સમયે કિશોર ગોસરાણીએ હરિશભાઇની કાર પાસે આવી કાચ ખખડાવતા હરિશભાઇએ કાચ ખોલ્યો હતો. જેથી કિશોરએ “તે અગાઉ મારા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તો ફરિયાદ કરીને મારું શું બગાડી લીધું?” તેમ કહી બોલાચાલી કરી ઉશ્કેરાઇને જાહેરમાં બે વ્યક્તિઓની હાજરીમાં ગાળો કાઢી, “ગામના લોકોએ તને સરપંચ બનાવેલ છે. તે તેઓની મોટી ભૂલ છે.” તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી પ્રોગ્રામ પછી જોઇ લેવાની ગર્ભિત ધમકી આપી હતી.
આ બનાવ અંગે હરિશભાઇએ કિશોર ગોસરાણી વિરૂદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મદદનિશ પોલીસ અધિક્ષક દ્વારા એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


