જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં બાઇક અડી જવાની નજીવી બાબતનો ખાર રાખી બે જૂથ વચ્ચે સામસામા કરાયેલા હુમલાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સગીર સહિતના 10 શખ્સોની ધરપકડ કરી હતી.

આ બનાવન વિગત મુજબ જામનગર શહેરના હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં શેરી નંબર એકમાં રહેતાં પરેશ અરવિંદભાઇ ધોકિયા (ઉ.વ.34) નામના યુવાનનું બાઇક નરેશ ડાંગરના જીજે10 એડી 2338ને અડી જતાં આ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રિના સમયે નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બૈડિયાવદરા, અમિત આંબલિયા, રોહિત સોલંકી અને ચીની કોળી નામના 6 શખ્સોએ પરેશ તથા તેના મિત્રો ઉપર ગોકુલનગર જકાત નાકા પાસે લાકડાના ધોકા વડે હુમલો કરી ઝપાઝપી કરી હતી. તેમજ પરેશને પતાવી દેવાની ધમકી આપી તેના ખિસ્સામાંથી નવસો રૂપિયાની રોકડ અને એક્સેસની ચાવી કાઢી લીધી હતી.
સામાપક્ષે નરેશ રાજશીભાઇ ડાંગર દ્વારા નોંધાવાયેલી સામી ફરિયાદમાં પરેશ ધોકિયા, હસનસાતિર, પૃથ્વીરાજસિંહ કયોર, મનસુખ શિંગળ, હરપાલસિંહ જાડેજા નામના પાંચ શખ્સોએ બાઇક અડી જવાની બાબતે થયેલી બોલાચાલીમાં નરેશ ડાંગર તથા તેના મિત્રોને ગાળો કાઢી ઢીકાપાટુન માર મારી ઇજા પહોંચાડી હતી. બે દિવસ પહેલા રાત્રિના સમયે જાહેરમાં થયેલા સામસામા હુમલાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતાં. આ અંગેની જાણ થતાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક એકશન લઇ સામસામી ફરિયાદ નોંધી સગીર તથા પરેશ ધોકિયા, હસન સાતિર, પૃથ્વીરાજસિંહ કયોર, મનસુખ શિંગળ, હરપાલસિંહ જાડેજા, નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બૈડિયાવદરા, અમિત આંબલિયા સહિતના દસ શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


