જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં વિદેશી દારૂની મોટી ખેપ ઉતારી તેનું કટીંગ કરી અલગ-અલગ સ્થળે સગેવગે કરવાની પેરવી ચાલી રહી હતી, ત્યારે જામજોધપુર પોલીસે દરોડો પાડી સમગ્ર ખેલ પર પાણી ફેરવી દીધું હતું. પોલીસની ટીમે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 15,600 ચપટા, કિંમત રૂ.23.40 લાખ કબજે કર્યા હતા. દારૂની ખેપ સાથે એક ટ્રક, ત્રણ મોટરસાયકલ સહિતનો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.44.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે પોલીસના વાહનોની લાઇટ દૂરથી દેખાતા જ સ્થળ પર હાજર શખ્સો નાસી છૂટ્યા હતા.
મળતી વિગતો મુજબ, જામજોધપુર પોલીસને બાતમી મળી હતી કે ધોરીયા નેસ વિસ્તારમાં રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાડીયો મોરી તથા તેમના મળતીયાઓ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવવામાં આવ્યો છે. ટ્રકમાંથી દારૂ ઉતારવાની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ દારૂનું કટીંગ કરી અલગ-અલગ સ્થળે વેચાણ માટે મોકલવાની પેરવી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સમય ગુમાવ્યા વિના ધોરીયા નેસ ખાતે જણાવેલી જગ્યાએ દરોડો પાડ્યો હતો.
View this post on Instagram
પોલીસની ટીમ રેડ માટે સ્થળ તરફ પહોંચી રહી હતી તે દરમિયાન સરકારી અને ખાનગી વાહનોની લાઇટ દૂરથી નજરે પડતાં ત્યાં હાજર શખ્સોને પોલીસ આવી પહોંચી હોવાની જાણ થઈ હતી. પરિણામે સ્થળ પર હાજર આરોપીઓ પોલીસની પકડમાં આવે તે પહેલાં જ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળની તપાસ હાથ ધરતાં ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,600 બોટલો (ચપટા), કિંમત રૂ.23,40,000 મળી આવી હતી. દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતો ટાટા કંપનીનો ટ્રક નંબર GJ-25-U-9376, કિંમત રૂ.20 લાખ પણ પોલીસના હાથે લાગ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી GJ-03-HQ-7175 નંબરની મોટરસાયકલ કિંમત રૂ.35,000, GJ-03-MS-2966 નંબરની મોટરસાયકલ કિંમત રૂ.૩૫,૦૦૦ અને GJ-10-DK-8222 નંબરની મોટરસાયકલ કિંમત રૂ.30,000 કબજે કરવામાં આવી હતી. સાથે તાલપત્રી તથા ટોલ પ્લાઝાની રસીદ સહિતનો અન્ય મુદ્દામાલ પણ મળ્યો હતો.
આમ, જામજોધપુર પોલીસે દારૂની મોટી ખેપ સાથે વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.44,40,500નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢ્યો છે. મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર કટીંગ તથા સગેવગેની કામગીરીમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ ફરાર થઈ જતાં હવે પોલીસે તેમના સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. કેસમાં નાથાભાઈ લાલાભાઈ મોરી અને રાજુભાઈ ઉર્ફે બાડીયો મોરી, ટ્રકના ચાલક તેમજ ત્રણેય મોટરસાયકલના ચાલકો સહિત કુલ સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. તપાસ આગળ વધતાં દારૂની આ ખેપના મૂળ સુધી પહોંચવા સાથે અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.
ફરાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવવાની શક્યતા છે.


