જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં દંપતિના નાના પુત્રએ પ્રેમલગ્ન કર્યાનું મોટા પુત્રને ગમતું ન હોવાથી આ બાબતનો ખાર રાખી પુત્ર અને પુત્રવધૂએ માતા-પિતા ઉપર કૂહાડીના ઘા મારી નાનાભાઇ ભાભીને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ શરમજનક બનેલા હુમલાના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં સવિતાબેન અને રમેશભાઇ અઘારિયા નામના પ્રૌઢ દંપતિના સૌથી નાના પુત્ર કિશને મીરાબેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ પ્રેમલગ્નનું મોટા પુત્ર સુનિલને ગમતું ન હોવાથી સુનિલ અને કિશન વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો ન હતો. દરમ્યાન કિશન તેની પત્ની મીરાબેન સાથે બે માસ અગાઉ ધ્રોલ રહેવા જતો રહ્યો હતો. દરમ્યાન ગત્ તા. 12ના રોજ સાંજના સમયે કિશન અને મીરાબેન પીઠડ ગામે ઘરવખરીનો સામાન ભરવા આવ્યા હતા. ત્યારે સુનિલ અને તેની પત્ની પીન્ટુબેનને આ બાબતની ખબર પડી જતાં સુનિલ અને પીન્ટુબેન નામનું દંપતિ તેના ઘરે આવ્યું હતું અને કિશન તથા તેની પત્ની મીરાબેન સાથે જેમ ફાવે તેમ ગાળો કાઢી અને પતાવી દેવાની ધમકી આપતાં હતાં.
દરમ્યાન કિશનની માતા સવિતાબેન અને પિતા રમેશભાઇ બે ભાઇઓ વચ્ચે થતાં ઝઘડામાં વચ્ચે પડી સુનિલને સમજાવવા જતાં સુનિલે ઉશ્કેરાઇને કૂહાડી વડે તેની માતા સવિતાબેન ઉપર હુમલો કર્યો હતો. પિન્ટુબેને લાકડાંના ધોકા વડે સસરા રમેશભાઇ ઉપર હુમલો કરી કિશનને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. નજીવી બાબતે સુનિલ અને પીન્ટુબેન દ્વારા તેના માતાપિતા ઉપર હુમલો કરી નાનાભાઇ સુનિલને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા પ્રૌઢ દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ સી. એલ. ચિહાલા તથા સ્ટાફએ સવિતાબેનના નિવેદનના આધારે તેના જ મોટા પુત્ર સુનિલ અને પુત્રવધૂ પિન્ટુબેન વિરૂદ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


