જામનગરથી નજીક માનસી હોટલ પાછળ આવેલા પ્લાસ્ટીકના કારખાનામાંથી અજાણ્યા તસ્કરોએ પીત્તળના ભંગાર સહિતની જુદીજુદી ચીજવસ્તુઓ મળી કુલ રૂા. 1,08,000ની કિંમતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મુરલીધરનગરમાં રહેતાં વેપારી જયદીપભાઇ રમેશભાઇ વેકરિયા (ઉ.વ.27) નામનો યુવાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ પાછળ આવેલા વિકલ્પ ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ખોડિયાર પ્લાસ્ટીક નામનું કારખાનુ ચલાવે છે. દરમ્યાન આ પ્લાસ્ટીકના કારખાનામાં ગત્ તા. 03ની રાત્રિના 08 વાગ્યાથી તા. 04ના સવારે 06 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન 10 કલાકના સમય દરમયાન અજાણ્યા તસ્કરો કારખાનામાં ત્રાટકયા હતા અને કારખાનામાં રાખેલ રૂા. 20 હજારની કિંમતનું કોમ્પ્યુટર અને પ્રિન્ટર તેમજ રૂા. 50 હજારની કિંમતનો 60 કિ.ગ્રા. પીત્તળનો ભંગાર અને ઇલે. સગડી, રૂા. 14 હજારની કિંમતનો 20 કિલો કોપરનો ભંગાર અને રૂા. 22 હજારની કિંમતનો 40 કિ. બ્રાસપાર્ટનો છોલ અને રૂા. એક હજારની કિંમતનો પંખો તથા ટેપ અને રૂા. 1200ની કિંમતની 100 વોલ્ટને હેલોઝન મળી કુલ રૂા. 1,08,800ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતા.
આ બનાવ અંગેની જાણ કારખાનેદાર દ્વારા કરવામાં આવતાં હે.કો. એ. જી. જાડેજા તથા સ્ટાફએ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


