વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિધ્ધાર્થનગર અને વારાણસીના પ્રવાસે છે. વડાપ્રધાને સિદ્ધાર્થનગર ખાતે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ અંતર્ગત પ્રદેશની 9 મેડિકલ કોલેજીસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે આર્ટ ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને જનતાને ભોજપુરીમાં પ્રણામ કર્યા હતા.
સંબોધન બાદ વડાપ્રધાન વારાણસી રવાના થયા હતા. વારાણસી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી વારાણસીની 5 હજાર 190 કરોડ રૂપિયાની 28 વિકાસ પરિયોજનાઓ જનતાને સમર્પિત કરશે. આ દરમિયાન દેશની સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત કરવા માટે 65 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનો પણ શુભારંભ કરશે. વડાપ્રધાને જણાવ્યું કે, પૂર્વાંચલ માટે નવો ઉપહાર આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય ભારત મિશન આગળ વધી રહ્યું છે. પૂર્વાંચલ માટે આ આરોગ્યનો ડબલ ડોઝ છે. આજનો દિવસ પૂર્વાંચલ માટે, સમગ્ર ઉત્તર પ્રદેશ માટે આરોગ્યનો ડબલ ડોઝ લઈને આવ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947 પહેલા યુપીમાં 3-4 મેડિકલ કોલેજ હતી. 1947થી 2016 દરમિયાન યુપીમાં સરકારી ક્ષેત્રમાં ફક્ત 12 મેડિકલ કોલેજ બની શકી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે, ભાવિ પેઢી યાદ રાખશે કે, હવેથી આ તમામ જિલ્લાઓમાં કોઈ પણ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીના કારણે દમ નહીં તોડે. સિદ્ધાર્થનગર, એટા, હરદોઈ, પ્રતાપગઢ, દેવરિયા, ગાજીપુર, મિર્ઝાપુર, ફતેહપુર અને જૌનપુરમાં 2,329 કરોડના ખર્ચે 9 મેડિકલ કોલેજીસનું લોકાર્પણ થયું છે. કાર્યક્રમ પહેલા લોકોને એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી અને યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને બુદ્ધની એક પ્રતિમા ભેટમાં આપી હતી.
64,000 કરોડની હેલ્થ ઇન્ફ્રાસ્કીમ લોન્ચ કરશે મોદી
વારાણસીથી આ યોજનાનું ઉદઘાટન કરવામાં આવશે : પ્રધાનમંત્રીએ 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું