જામનગર જિલ્લાના ઝાખર ગામમાં રહેતાં પરપ્રાંતિય યુવકને મોબાઇલમાં ઓનલાઈન જૂગાર રમવાની ટેવ હોવાથી પૈસાની હારજીત થતા મનમાં લાગી આવતા તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, બિહાર રાજ્યના કટીહાર જિલ્લાના બેરીયા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાં આવેલી હાઈટેક કંપનીમાં નોકરી કરતો એમ ડી ઉમર કસફુલ (ઉ.વ.18) નામનો યુવક તેના વતનથી જામનગર જિલ્લામાં રોજીરોટી કમાવવા આવ્યો હતો અને અહીં નોકરી કરી હાઈટેક કંપનીની ભાડાની ઓરડીમાં રહેતો હતો. દરમિયાન યુવકને મોબાઇલમાં ઓનલાઈન ગેમમાં જૂગાર રમવાની આદત લાગી ગઇ હતી આ જૂગારમાં પૈસાની હારજીત થતી રહેતી હતી. જેનું મનમાં લાગી આવતા ગત તા. 6 ના રોજ સાંજના સમયે તેની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મેરાજ આલમ દ્વારા જાણ કરાતા હેકો એસ ડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


