જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થની રેલમછેલ થઇ રહી છે. પોલીસ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યાં છે. શહેરના મીગ કોલોનીથી બસ સ્ટેન્ડ તરફના માર્ગ પર પોલીસે 4.19 ગ્રામ ગાંજા સાથે શખ્સને દબોચી લીધો હતો.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા હાલારમાં છેલ્લા થોડાં સમયથી નશીલા પદાર્થોની હેરાફેરીની રેલમછેલ થઇ રહી હોય તેમ સમયાંતરે પોલીસ દ્વારા નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવાના બનાવ પોલીસ દફતરે નોંધાતા રહે છે. દરમ્યાન સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફના હે.કો. વિજયભાઇ કાનાણી અને યોગેન્દ્રસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી. એમ. ડોડિયા, પીએસઆઇ ડી. જી. રામાનુજ, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, હે.કો. ભવદીપસિંહ પરમાર, વિજયભાઇ કાનાણી, વિપુલભાઇ સોનગરા, શૈલેષભાઇ ઠાકરિયા, યોગેન્દ્રસિંહ સોઢા, હરપાલસિંહ પરમાર, પ્રદીપસિંહ ખજાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. વિનાયકભાઇ વાઘેલા, રાજેન્દ્રસિંહ ડોડિયા, કિશોરભાઇ ગાગિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન જામનગરના મીગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફ જતાં પ્રદર્શન ગ્રાઉન્ડ શાક માર્કેટના ખૂણા પાસે જાહેરમાં જીજે10 ડીઆર 5842 નંબરની કારમાં મેફેડ્રોન પાઉડરનું વેચાણ કરતાં શબ્બીર ઉર્ફે ભડાલો જકર ચંગડા (ઉ.વ.43, રહે. ધરારનગર-2, પાવરહાઉસ પાસે, શિવ હોટલ નજીક, ત્રણ માળિયા આવાસ, જામનગર) નામના શખ્સને દબોચી લઇ તલાશી લેતાં તેની પાસેથી રૂા. 41,900ની કિંમતનું 4.19 ગ્રામ મેફેડ્રોન પાઉડર, રૂા. પાંચ લાખની કિંમતની બ્રેઝા કાર, સિરીન્જ સાથેના ત્રણ ઇન્જેકશન, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ, રૂા. 2850 રોકડા મળી કુલ રૂપિયા 5,49,750ના મુદ્ામાલ સાથે શબ્બીરને દબોચી લઇ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતાં મેફેડ્રોન પાઉડર રાજસ્થાનના સાંચરોના શાહરૂખ ઉર્ફે મહારાજ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. પોલીસે શબ્બીર વિરૂદ્ધ જામનગર શહેરના માત્ર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ 20 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.


