દિવાળીના તહેવાર નિમિત્તે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જાહેર કરાયેલું એક સપ્તાહનું વેકેશન પૂર્ણ થતાં આજે લાભપાંચમના પવિત્ર અને શુભ મુહૂર્તે ફરીથી વેપાર-ધંધાની શરૂઆત થઈ છે. નવા વર્ષના પ્રારંભ બાદ લાભપાંચમના દિવસે વેપાર-ધંધાની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે ત્યારે યાર્ડમાં પણ વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને નવા વેપારી વર્ષની શરૂઆત કરી હતી.
લાભપાંચમના પર્વને વેપારીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવતું માનવામાં આવે છે. દિવાળી બાદ આજના શુભ દિવસે વેપારીઓએ પૂજા-અર્ચના કરી, નવા હિસાબો અને વેપારની શરૂઆત કરી હતી. એક સપ્તાહના વિરામ બાદ યાર્ડ ફરી શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને મજૂર વર્ગમાં પણ ધમધમાટ જોવા મળ્યો હતો.
View this post on Instagram
યાર્ડમાં પ્રથમ દિવસથી જ વિવિધ કૃષિ જણસીઓની આવક શરૂ થઈ છે. જેમાં અંદાજે 10 હજાર ગુણી મગફળી અને 2500 ભારી કપાસની આવક નોંધાઈ છે. આ ઉપરાંત ચણા, મરચાં, જીરું, અજમો સહિતની વિવિધ જણસીઓ પણ વેચાણ માટે યાર્ડમાં આવી પહોંચી હતી. દિવાળી વેકેશન બાદ યાર્ડમાં ફરી વેપાર શરૂ થતાં કૃષિ બજારમાં પણ નવી ચેતનાનો સંચાર થયો છે. ખેડૂતો પોતાની જણસીઓ વેચાણ માટે લઈને પહોંચી રહ્યા છે, જ્યારે વેપારીઓએ પણ લાભપાંચમના શુભ મુહૂર્ત સાથે નવા ઉત્સાહથી ખરીદ-વેચાણનો પ્રારંભ કર્યો છે. આમ, લાભપાંચમના શુભ પર્વે જામનગર યાર્ડમાં ફરી એકવાર કૃષિ વેપારની રોનક જોવા મળી રહી છે અને નવા વેપારી વર્ષની શરૂઆત ઉત્સાહભેર થઈ છે.


