ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને એક તાંતણે જોડવાના ઉદ્દેશ સાથે પૂજ્ય મોરારી બાપુની આગેવાની હેઠળ નીકળેલી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ હવે બીજા ચરણમાં પ્રવેશવા જઈ રહી છે. આગામી 14 નવેમ્બરથી દ્વારકાથી આ યાત્રાનો પ્રારંભ થશે, જે 22 નવેમ્બરે જગન્નાથપુરી ખાતે પૂર્ણ થશે. સનાતન ધર્મ, રાષ્ટ્રીય એકતા, વિશ્વકલ્યાણ અને ભારતીય સંસ્કૃતિના સંદેશને જનજન સુધી પહોંચાડતી આ યાત્રાનો પ્રથમ તબક્કો 10થી 23 ઓક્ટોબર દરમિયાન ક્ધયાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો.
પ્રથમ ચરણમાં ક્ધયાકુમારીથી શરૂ થયેલી યાત્રા કલડી, શૃંગેરી, હમ્પી, તુળજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતનાં મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પરથી પસાર થઈ કેદારનાથ પહોંચી હતી. હવે બીજા ચરણમાં દ્વારકાથી શરૂ થઈ સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈ જગન્નાથપુરી સુધી પહોંચશે.
આ બંને ચરણોની વિશેષતા એ છે કે યાત્રા દેશનાં કુલ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લે છે. ભારતના પશ્ચિમથી દક્ષિણ, ઉત્તરથી પૂર્વ સુધીનાં વિવિધ પ્રદેશો, ભાષાઓ, પરંપરાઓ અને આસ્થાનાં કેન્દ્રોને એક જ આધ્યાત્મિક ભાવનાથી જોડવાનો આ પ્રયાસ છે.
ભારતની રાષ્ટ્રીય એકતાનો આ સંદેશ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની ભાવના સાથે પણ સુસંગત છે. રાષ્ટ્રગાનમાં પંજાબ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ અને બંગ જેવા પ્રદેશોનો ઉલ્લેખ ભારતની વિવિધતામાં એકતાને ઉજાગર કરે છે. યાત્રાના માર્ગમાં આવતી પેરિયાર, તુંગા, તુંગભદ્રા, ભીમા, નર્મદા, બેતવા, રાવી, તાવી, મંદાકિની, ગોમતી, ક્ષિપ્રા, મહાનદી, જલાંગી, હુગલી અને દયા જેવી નદીઓ પણ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક બને છે.
યાત્રાના આધ્યાત્મિક મહત્ત્વ અંગે પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, ૐકાર અને સ્વસ્તિક એક જ આધ્યાત્મિક ભાવનાનાં બે સ્વરૂપ છે. ૐકાર નિરાકાર અને નિર્ગુણ પરમ તત્ત્વનું પ્રતીક છે, જ્યારે સ્વસ્તિક સાકાર સ્વરૂપે મંગળ, કલ્યાણ અને સમગ્ર સૃષ્ટિના હિતનો સંદેશ આપે છે. ચાર દિશાઓ ધરાવતી યજ્ઞવેદી પણ સ્વસ્તિકના ભાવને પ્રગટ કરે છે. યજ્ઞનો સાચો અર્થ બીજાના કલ્યાણ માટે કશુંક અર્પણ કરવાનો છે. આવા નિ:સ્વાર્થ સમર્પણથી જ શાંતિ, સંવાદિતા અને વિશ્વકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.
સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત આ યાત્રા સ્વસ્તિકના પ્રાચીન ભારતીય પ્રતીકને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય એકતા, સામૂહિક કલ્યાણ અને સનાતન ધર્મના શાશ્ર્વત મૂલ્યોનો સંદેશ આપે છે. મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલના જણાવ્યા અનુસાર, સ્વસ્તિકમાં રહેલો ‘સ્વસ્તિ’ એટલે કે મંગળ અને કલ્યાણનો ભાવ આ યાત્રાનો મૂળ આધાર છે. વિવિધ પ્રદેશો અને જીવનશૈલીના લોકોને એક મંચ પર લાવી રાષ્ટ્રની એકતાને વધુ મજબૂત બનાવવાનો આ પ્રયાસ છે.
આ યાત્રા આદિ શંકરાચાર્યની ભારતભ્રમણની પરંપરાથી પણ પ્રેરિત છે. આદિ શંકરાચાર્યએ ભારતના વિવિધ પ્રદેશોને સનાતન ધર્મની દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓથી જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. એ જ રીતે સ્વસ્તિકની ચાર ભુજાઓ ભારતના વિવિધ પ્રદેશો વચ્ચેના પરસ્પર જોડાણ અને અખંડ ભારતની ભાવનાનું પ્રતીક બની રહી છે.
સત્ય, પ્રેમ અને કરુણાના સિદ્ધાંતોને પોતાની રામકથાના કેન્દ્રમાં રાખતા મોરારી બાપુ માટે આ યાત્રા માત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત નથી, પરંતુ આ મૂલ્યોને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવાનો એક પ્રયાસ પણ છે. યાત્રા દરમિયાન યોજાનારી રામકથા અને અન્ય કાર્યક્રમો સૌ માટે નિ:શુલ્ક અને ખુલ્લા રહેશે. દરેક સ્થળે શાકાહારી ભોજનની વ્યવસ્થા ભંડારા અને પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે.
દ્વારકાથી જગન્નાથપુરી સુધીનું આ બીજું ચરણ માત્ર એક ધાર્મિક યાત્રા નહીં, પરંતુ ભારતની વિવિધતામાં વસેલી એકતા, સનાતન પરંપરાની અખંડિતતા અને સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાને ઉજાગર કરતું આધ્યાત્મિક અભિયાન બની રહેશે.


