આ વર્ષની શરૂઆતમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને અન્ય કોચ સામે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આક્ષેપ મુકનાર ટોચના ભારતીય કુસ્તીબાજોએ નવેસરથી પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ફરી એકવાર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ કરવા માટે આવી ગયા છે. સાત મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી બદલ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાની પરની આપવીતી સંભાળવતાં મહિલા કુશ્તીબાજો રડી પડ્યા હતા.રેસલર સાક્ષી મલિકે કહ્યું છે કે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવાની બાકી છે. તેમણે કહ્યું કે તેઓ નિરાશ છે કે આ મુદ્દે સરકારી પેનલનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે મહિલા કુસ્તીબાજોના જે નિવેદનો નોંધવામાં આવ્યા છે.
તેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે. આ એક સંવેદનશીલ મુદ્દો છે, ફરિયાદકર્તાઓમાં એક સગીર છોકરી પણ છે. તેમણે વધુમાં કહ્યું કે ફરિયાદીઓના નામ લીક થવા ન જોઈએ. અન્ય એક વરિષ્ઠ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, જ્યાં સુધી બ્રિજ ભૂષણની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. વારંવારના પ્રયાસો છતાં સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. તેણે કહ્યું, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ સૂઈશું અને અહીં જ જમીશું. અમે ત્રણ મહિનાથી તેમનો (ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય સંબંધિત અધિકારીઓ) સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સમિતિના સભ્યો અમને જવાબ આપી રહ્યા નથી. ખેલ મંત્રાલય પણ કશું નથી કહી રહ્યું. તેઓ અમારો ફોન પણ ઉપાડતા નથી. ઉલ્લેખનિય છે કે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આરોપોને નકારી કાઢ્યા છે. જાતિય સતામણીના તમામ આરોપો ખોટા છે અને જો તે સાચા સાબિત થશે, તો હું આત્મહત્યા કરીશ.