Wednesday, July 24, 2024
Homeરાજ્યહાલારહાલારમાં મેઘમહેર અવિરત, કલ્યાણપુરમાં છ અને ખંભાળિયામાં સાડા ચાર ઈંચ વરસાદ

હાલારમાં મેઘમહેર અવિરત, કલ્યાણપુરમાં છ અને ખંભાળિયામાં સાડા ચાર ઈંચ વરસાદ

સમાણામાં ચાર ઈંચ : કાલાવડ, વાંસજાળિયા, જામનગર, મોટી ભલસાણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ : જોડિયામાં પોણા ત્રણ અને લાલપુરમાં બે ઈંચ વરસાદ : ઘી ડેમમાં બે માસનું નવું પાણી સંગ્રહિત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ત્રણથી દસ ઈંચ સુધીના વરસાદ બાદ ગતરાત્રીથી મેઘ વિરામ રહ્યો છે. 24 કલાક દરમિયાન કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર, દ્વારકામાં સવા ત્રણ ઈંચ અને ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. જામનગર જિલ્લાના સમાણા, વાંસજાળિયા, મોટી ભલસાણ અને કાલાવડમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં તથા જિલ્લામાં અનેક સ્થળોએ ઝાડ પડી જવાની ઘટનાઓ બની છે. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે પ્રારંભથી જ મેઘરાજા ખંભાળિયા તાલુકા પર મહેરબાન રહ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન અવિરત રીતે ભારે ઝાપટા વરસ્યા હતા. આજે સવાર સુધીમાં વધુ 108 મી.મી. (સાડા ચાર ઈંચ) વરસાદ વરસી ગયો હતો. ગતરાત્રીથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો. આજે સવારથી વાદળ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વધુ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ગઈકાલે સોમવારે કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ જાણે મુકામ રાખ્યો હોય તેમ ગઈકાલે દિવસ દરમિયાન સમગ્ર તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રિ સુધીમાં કુલ 6 ઈંચ જેટલું (143 મી.મી.) પાણી પડી ગયું હતું.

દ્વારકા વિસ્તારમાં પણ આ વર્ષે ચોમાસુ ધોધમાર બની રહ્યું હતું. રવિવારે રાત્રીથી શરૂ થયેલી મેઘ સવારી ગઈકાલે સોમવારે પણ હળવા તથા ભારે ઝાપટા રૂપે ચાલુ રહી હતી. જેમાં આજે સવાર સુધીમાં વધુ 81 મી.મી. પાણી પડી ગયું હતું.

- Advertisement -

ભાણવડ પંથકમાં ગત સાંજે એક ઈંચ તથા રાત્રે દોઢ ઈંચ સહિત કુલ 3 ઈંચ (75 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસના આ ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા નજીકના વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં બે ફૂટથી વધુ નવું પાણી આવી ગયું છે.

આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં સાડા 27 ઈંચ (686 મી.મી.), દ્વારકા તાલુકામાં 13 ઈંચ (328 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ (322 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 9 ઈંચ (222 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદથી ખેતરો તરબતર બન્યા છે. ખેતરોમાં વાવેતર માટે ફાયદારૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશાલ થયા છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લાં બે દિવસથી મેઘસવારી અવિરત રહી છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગામમાં તથા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં અને કાલાવડ, વાંસજાળિયા, મોટી ભલસાણમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ પાણી આકાશમાંથી પાણી વરસ્યું હતું. જ્યારે જામનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદી પાણી વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની રાબેતા મુજબની સમસ્યા શરૂ થઈ ગઇ હતી. વરસાદ અને ઠંડા પવનના કારણે વાતાવરણમાં ટાઢોડું થઈ ગયું હતું. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. જોડિયામાં પોણા ત્રણ અને લાલપુરમાં વધુ બે ઈંચ તથા ધ્રોલમાં માત્ર સામાન્ય ઝાપટાં જ પડયાના અહેવાલ છે.

જામજોધપુર તાલુકામાં સમાણામાં ચાર અને વાંસજાળિયામાં સાડા ત્રણ તથા ધ્રાફામાં વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે શેઠવડાળા અને ધુનડામાં બે ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. ઉ5રાંત પરડવામાં દોઢ ઈંચ પાણી પડયું હતું. જામજોધપુર પંથકમાં મેઘરાજાએ છેલ્લાં બે દિવસથી માજા મૂકી છે ત્યારે જામજોધપુર તાલુકાના લલોઇ ગામમાં ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવતા ટ્રેકટરની ટ્રોલી તણાઇ ગઈ હતી તેમજ ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. અને રોડ રસ્તા પર વરસાદી પાણીના કારણે કાંટાળા બાવળ આવી ચડયા હતાં.

જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં અઢી ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે દરેડમાં અને ફલ્લામાં દોઢ-દોઢ ઈંચ તથા અલિયાબાડામાં સવા અને જામવણથલીમાં એક તથા વસઈ અને લાખાબાવળમાં પોણો – પોણો ઈંચ પાણી પડયું હતું. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ધોધમાર ત્રણ ઈંચ અને હડિયાણામાં વધુ અઢી ઈંચ તથા પીઠડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ધ્રોલ તાલુકો સૌથી વધારે કોળો ધાકોડ રહ્યો હતો અને લૈયારામાં માત્ર સામાન્ય ઝાપટા પડયા હતાં. કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં ધીમી ધારે બે ઈંચ અને નવાગામમાં સવા ઈંચ તથા ભ.બેરાજા અને ખરેડીમાં અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું. તથા મોટા વડાળા અને નિકાવામાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં.

લાલપુર તાલુકાના પડાણા અને મોડપર ગામમાં ધોધમાર અઢી ઈંચ પાણી આકાશમાંથી પડયું હતું. જ્યારે ભણગોરમાં ધીમી ધારે બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા હરીપરમાં દોઢ ઈંચ અને મોટા ખડબા તથા પીપરટોડામાં એક – એક ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારે 8 વાગ્યાના આંકડા મુજબ, જામનગરમાં મોસમનો કુલ વરસાદ 131 મિ.મી. (5.24 ઈંચ), જોડિયામાં 162 મિ.મી. (6.48 ઈંચ), ધ્રોલમાં 101 મિ.મી. (4.04 ઈંચ), કાલાવડમાં 221 મિ.મી. (8.84 ઈંચ), લાલપુરમાં 181 મિ.મી. (7.24 ઈંચ) અને જામજોધપુરમાં 243 મિ.મી. (9.72 ઈંચ) વરસાદ પડયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular