કાલાવડ ગ્રામ્ય પોલીસે મુળીલા ગામના પાટીયા પાસેથી મોટરકારમાંથી 1007 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂના ચપલા, મોટરકાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.10,56,750નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પો.કો. અલ્તાફભાઇ સમા તથા કુલદીપસિંહ જાડેજાને મુળીલા ગામ તરફથી નવા ખીજડીયા ગામ તરફ દારૂનો જથ્થો ભરેલી મહિન્દ્રાકાર પસાર થવાની હોવાની બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈનીની સુચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાના માર્ગદર્શન મુજબ કાલાવડ પીઆઇ એન.વી. આંબલીયા, એએસઆઇ ગીરીરાજસિંહ જેઠવા, હે.કો. મહેશભાઇ ચાવડા, પો.કો. નિરજકુમાર મુંધવા, વનરાજભાઇ ગઢાધરા, કુલદિપસિંહ જાડેજા, અલ્તાફભાઇ સમા તથા પ્રદિપભાઇ ભંડેરી સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી મુળીલા ગામના પાટીયા પાસેથી પસાર થતી જીજે36 એએફ 8712 નંબરની મહેન્દ્રા કંપનીની થાર રોકતા તેમાથી 1007 નંગ દારૂના ચપલા મળી આવ્યા હતાં.
પોલીસે રૂા.2,51,750ની કિંમતના 1007 નંગ દારૂના ચપલા રૂા.8,00,000ની કિંમતની જીજે36 એએફ 8712 નંબરની મહીન્દ્રા થાર, રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.10,56,750ના મુદામાલ સાથે જગતસિંહ ઉર્ફે રાજા વિરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ આ કેસમાં યશપાલ નામના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.


