પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પર બાઈકસવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ ગ્રેનેડ અટેકના લીધે પઠાણકોટમાં હાઈએલર્ટ છે.
પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટની સામે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. એસએસપી સુરિંદર લાંબાએ જણાવ્યું હતું કે રાત્રે કેમ્પ સામેથી એક બાઈક પસાર થઈ હતી. એના પર સવાર લોકોએ ગેટ તરફ ગ્રેનેડ ફેંકી બ્લાસ્ટ કર્યો હતો. અધિકારીઓને સૂચના મળતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો.આર્મી કેમ્પના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં ગ્રેનેડ હુમલાની ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હુમલાના પરિણામે પઠાણકોટમાં તેમજ પંજાબના તમામ શહેરોમાં પ્રવેશદ્વાર પર પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
પઠાનકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ થાણાઓમાંનું એક છે. તેમાં એરફોર્સ સ્ટેશન, આર્મી એમ્યુનિશન ડેપો અને બે આર્મર્ડ બ્રિગેડ અને આર્મર્ડ યુનિટ્સ છે. જાન્યુઆરી 2016માં પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો. જેમાં સેનાના 8 જવાન શહીદ થયા હતા. અને 5આતંકીઓ માર્યા ગયા હતા.