Tuesday, March 19, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં ગીલનું રન રમખાણ, મુંબઇ ફેંકાયું

અમદાવાદમાં ગીલનું રન રમખાણ, મુંબઇ ફેંકાયું

મુંબઇને 62 રને હરાવી ગુજરાત ટાઇટન્સ સતત બીજા વર્ષે ફાઇનલમાં : મોહિત શર્માએ મુંબઇની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી

- Advertisement -

શુભમન ગીલની ટી-20 ક્રિકેટમાં કરિયરની સૌથી મોટી ઈનિંગથી ગુજરાત ટાઈટન્સે સળંગ બીજા વર્ષે આઈપીએલના ફાઈનલમાં વટભેર એન્ટ્રી મેળવી છે. આવતીકાલે ગુજરાતની ટક્કર ચેન્નાઈ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ફાઈનલમાં થશે. શુભમન ગીલની સીઝનની ત્રીજી સદીથી ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ક્વોલિફાયર-2માં ત્રણ વિકેટે 233 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રને ઢેર થઈ જતાં 62 રને કારમો પરાજય થયો હતો. આ સાથે સળંગ ત્રીજી વખત મુંબઈ ફાઈનલમાં જગ્યા બનાવી શક્યું નથી.

- Advertisement -

ગીલે પોતાને મળેલા જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવતાં 60 બોલમાં 10 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 129 રનની ઈનિંગ રમી હતી જેના કારણે ગુજરાતે અત્યાર સુધીનો પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પહેલાં ગુજરાતનો સૌથી મોટો સ્કોર બે વિકેટે 227 રન હતો જે આ જ સીઝનમાં લખનૌ વિરુદ્ધ બનાવ્યો હતો. ગીલે 49 બોલમાં સદી પૂર્ણ કરી જે પ્લેઑફની સૌથી ઝડપી સદી છે. તે પ્લેઑફમાં સદી બનાવનારો સૌથી યુવા બેટર બન્યો છે.
ગીલે સાઈ સુદર્શન (43 રન) સાથે બીજી વિકેટ માટે 64 બોલમાં 138 રનની ભાગીદારી કરી હતી. આ પહેલાં તેણે રિધ્ધિમાન સાહા (18 રન) સાથે પહેલી વિકેટ માટે 54 રન બનાવ્યા હતા. ગીલે મેદાનની ચારે બાજુ શોટ રમીને મુંબઈના બોલરોની ધજ્જીયા ઉડાવી દીધી હતી. તેની ઈનિંગનો અંત આકાશ મધવાલે કર્યો હતો. ગીલ ઉપરાંત કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 28 રન બનાવ્યા હતા.

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈએ નિયમિત અંતરાલમાં વિકેટ ગુમાવી હતી. મુંબઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેણે 21 રનમાં બન્ને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. તીલક વર્મા (43 રન) અને ગ્રીન (30 રન)એ તાબડતોબ બેટિંગ કરી પરંતુ મોટી ઈનિંગ રમી શક્યા ન્હોતા. સૂર્યકુમાર (61 રન)ના પ્રયાસ પણ કાફી રહ્યા ન્હોતા. તેના આઉટ થયા બાદ મુંબઈની અંતિમ પાંચ વિકેટ 16 રનની અંદર જ પડી જવા પામી હતી. ગુજરાત વતી મોહિત શર્માએ 14 બોલમાં દસ રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી.

- Advertisement -

શુભમન ગીલ ગુજરાત વતી 1300 રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તે 32 મેચમાં 146.75ના સ્ટ્રાઈક રેટથી 1135 રન બનાવી ચૂક્યો છે જેમાં ત્રણ સદી અને આઠ ફિફટી સામેલ છે. હાર્દિક પંડ્યા (812 રન) બીજા અને ડેવિડ મીલર (740 રન) ત્રીજા નંબરે છે. આ સાથે જ ગીલના આઈપીએલમાં કુલ 2751 રન થઈ ગયા છે.
શુભમન ગીલ એક સીઝનમાં 800થી વધુ રન બનાવનારો બીજો ભારતીય બન્યો છે જ્યારે ઓવરઓલ આવું કરનારો ચોથો બેટર બન્યો છે. જ્યારે ચાર ટી-20 મેચમાં ત્રણ સદી બનાવનારો પણ તે બીજો બેટર છે. તેના ઉપરાંત ઑસ્ટ્રેલિયાના કલિંગરે આવું કર્યું છે. ગીલનો સ્ટ્રાઈક રેટ 154.32 રહ્યો છે જે લીગના ઈતિહાસના એક સઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટરોમાં સૌથી વધુ છે.

ક્વોલિફાયર-2માં મુંબઈને હરાવી ગુજરાત ટાઈટન્સે વટભેર ફાઈનલમાં એન્ટ્રી મારી છે ત્યારે જીત મેળવ્યા બાદ ગુજરાત ટીમના ખેલાડીઓની ખુશીનો પાર રહ્યો ન્હોતો. ખેલાડીઓથી લઈને સપોર્ટિંગ સ્ટાફ સુધીના દરેકે એક બીજાને જપ્પીથી લઈ પપ્પી આપવા સુધીની ઉજવણી કરી હતી. મોહિત શર્માએ મેચની અંતિમ વિકેટ લીધી ત્યારે હાર્દિક પંડ્યાએ ઝૂકીને તેને નમસ્કાર કર્યા હતા. આવી જ રીતે તેણે જોશુઆ લિટલને પપ્પી કરી હતી તો શુભમન ગીલને પણ વિદેશી સ્ટાઈલમાં ચૂમ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular