ગુજરાતના લોકો પોતાની હિંમત અને મહેનત માટે પુરા વિશ્વમાં પ્રસિધ્ધ છે. ત્યારે પાંચ ગુજરાતીઓ 20050 ફૂટની ઉંચાઇએ પહોંચ્યા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
નો ડ્રગ્સ કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે પાંચ ગુજરાતીઓએ હિમાચલ પ્રદેશ અને લદ્દાખની વચ્ચે આવેલા 6,111 મીટર એટલે કે, 20050 ફૂટ ઉંચા માઉન્ટ યુમન શિખરને સર કર્યું છે. આ શિખરનું ચઢાણ ખૂબ કપરૂ છે. નીચા તાપમાન, વિકટ સંજોગો પર્વતારોહીઓ માટે પડકાર સમાન આ ઉંચાઇ કે, જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને રાત્રે તાપમાનનો પારો માઇનસ 20 સુધી ગગડી જતો હોય ત્યાં પહોંચવાનું અદમ્ય સાહસ પાંચ ગુજરાતીઓએ કરી બતાવ્યું છે.
આ શિખર સર કરવામાં વડોદરાથી ડો. સોહિલ, અમદાવાદના જયપાલસિંહ ભાટી, સુરતના ઘુરવન ધારાણી, ગૌરાંગ પુરોહિત અને ધુરવલ ડાભીનો સમાવેશ થાય છે. 13 સભ્યોએ ચઢાઇ શરૂ કરી પરંતુ વચ્ચે આવતા પડકારોનો સામનો કરીને પાંચ ગુજરાતીઓએ આ શિખરના ટોચ પર પહોંચી તિરંગો લહેરાવ્યો હતો. આરોહણ પહેલા બે મહિનાની આકરી તાલિમ બાદ આ ટીમની શિખર સર કરવાની પસંદગી પામી હતી.