જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું, કલમ 370 હટાવ્યા બાદથી રાજ્યમાં આતંકવાદી ઘટનાઓમાં 45 ટકાનો ઘટાડો થયો છે. ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે. સુરક્ષા દળોને થતા નુકસાનમાં 60 ટકાનો ઘટાડો થયો છે. સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે તે પ્રશ્ર્નનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે તે હજુ સ્પષ્ટ નથી. આમાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રમાં સુધારો થયો છે. સુનાવણી દરમિયાન બેન્ચે તુષાર મહેતાને પૂછ્યું કે શું તમે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી શકો છો? અને શું કોઈ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યથી અલગ કરી શકાય? આ ઉપરાંત ચૂંટણી ક્યારે યોજાઈ શકે? આનો અંત આવવો જોઈએ. કોર્ટે કહ્યું કે, અમને જણાવો કે તમે જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્ર ક્યારે પુન:સ્થાપિત કરશો. અને આ માટે તમને કેટલો સમય લાગશે. અમે આને રેકોર્ડમાં મૂકવા માંગીએ છીએ.