જામનગર તાલુકાના વિજયપુર વેરતીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા આદિવાસી યુવાનની તરૂણી પુત્રીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના વુલનમીલ ચાલી હાઉસીંગ બોર્ડ કોલોનીમાં યુવાને તેના ઘરે અગમ્યકાણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના નંદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતી તરૂણીને મોબાઇલનો ઉપયોગ કરવાની ના પાડતા અને ખેતમજુરી કરવાનું કહેતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. કાલાવડ તાલુકાના નવાગામના વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂર યુવકે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા શ્રમિક યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં ખેતમજૂરી રબારી યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં યુવાનનું ચકકર આવતા પડી જવાથી માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન અપમૃત્યુના બનાવમાં આઠ વ્યકિતના મોત નિપજ્યા છે. આ બનાવોની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના વિજયપુર વેરતીયા ગામની સીમમાં આવેલી જમનભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા વિનુભાઈ દિતુભાઇ સંગાડા નામનો આદિવાસી યુવાન તેની પત્ની અને સંતાનો સાથે બેસતા વર્ષના દિવસે સવારે કાલાવડ ગામમાં ખરીદી કરવા ગયા હતાં અને તેની પુત્રી સરીતાને ઘરે રાખી હતી. યુવાન અને તેની પત્ની તથા સંતાનો ખરીદી કરવા ગયા ત્યારે પાછળથી ઘરે એકલી રહેલી સરીતા વિનુભાઈ સંગાડા (ઉ.વ.15) નામની તરૂણીને ઘરે રાખી ગયાનું મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સાંજે પરત ફરેલા દં5તી તથા સંતાનોએ પુત્રીના મૃતદેહ નજરે પડતા અવાચક થઈ ગયા હતાં. આ અંગેની જાણ કરતા હે.કો. સી.ડી.જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં વુલનમીલ આનંદકોલોની વિસ્તારમાં રહેતા પ્રભાકર ઉર્ફે રવિ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.38) નામના યુવાને ગુરૂવારે તેના ઘરે ઉપરના રૂમમાં છતના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આત્મહત્યાના આ બનાવની જીતેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે.નારિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએેમ માટે મોકલી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગર તાલુકાના નંદપુર ગામની સીમમાં આવેલા રમેશભાઈ પટેલના ખેતરમાં ખેતમજુરી કરતા સતનાભાઇ વરશીભાઈ બામણિયા નામના આદિવાસી યુવાનની પુત્રી જેન્તાબેન બામણિયા (ઉ.વ.16) નામની તરૂણીને મોબાઇલ વાપરવાની ના પાડતા અને ખેતમજૂરી કામમાં મદદ કરવાનું કહેતા આ ઠપકાનું મનમાં લાગી આવતા જેન્તાબેને મંગળવારે સાંજના સમયે તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની મૃતકના ભાઈ વિક્રમ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, કાલાવડ તાલુકાના નવાગામના સીમ વિસ્તારમાં આવેલી ઘનશ્યામભાઈ અકબરીના ખેતરમાં મજૂરી કામ કરતા છોટા ઉદેપુરના વતની જુવાનસીંગ રતુભાઈ રાઠવા (ઉ.વ.25) નામના આદિવાસી યુવાને દિવાળીના દિવસે રાત્રિના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રામસીંગ રાઠવા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
પાંચમો બનાવ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં કાના કિશોરભાઈ સંઘાર (ઉ.વ.25) નામના શ્રમિક યુવાને ગત તા.22 ના શનિવારના બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે કિશોરભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.પી.સિંઘવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
છઠો બનાવ, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ રામજીભાઈ ઢાકેચા (ઉ.વ.21) નામના યુવકે દિવાળીના મધ્યરાત્રિના બે વાગ્યાના અરસામાં તેના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જગદીશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.બી.લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો બનાવ, જામનગરના તાલુકાના બેડ ગામમાં રહેતાં રાજેશભાઈ વરસીંગભાઈ નાગેશ (ઉ.વ.25) નામના રબારી ખેતમજૂર યુવાને ગત તા.22 ના શનિવારે વહેલીસવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની દેવશીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
આઠમો બનાવ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો બિહારનો વતની પુરનવાસી શિવનારાયણ શાહ (ઉ.વ.34) નામનો યુવાન ગત તા.23 ના સાંજના સમયે ખીમરાણામાં આવેલી કાનજીભાઇની કરિયાણાની દુકાને ગયો હતો તે દરમિયાન રસ્તામાં ચકકર આવતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ ગયો હતો ત્યારબાદ યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની કંચનદેવી દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.