જામનગર શહેરમાં 60 દિ.પ્લોટ નજીક કેફી પીણું પીધેલી હાલતમાં રીક્ષાચાલકે પોતાની રીક્ષા બેદરકારીપુર્વક ચલાવી એકસેસને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં એકસેસમાં સવાર બે મિત્રોને ઈજાઓ પહોંચી હતી. આ અંગે રીક્ષાચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થકોલોની શેરી નંબર-8 બી માં રહેતાં રોહિતભાઈ નાથાભાઈ ચાંદપા એ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.9ના જીજે-10-એઝેડ-6888 નંબરની રીક્ષાચાલકે કેફી પીણું પીધેલી હાલતમાં દિ.પ્લોટ 60ના ખુણા પાસે પોતાની રીક્ષા બેફીકરાઇપુર્વક ચલાવી ફરિયાદીના જીજે-10-ઈકે-4639 નંબરના એકસેસને ઠોકર મારી હતી. જેમાં ફરિયાદી તથા તેના મિત્ર રાહુલ એકસેસમાં જઈ રહ્યા હોય બંને નીચે પટકાયા હતાં અને શરીરે છોલછાલ જેવી ઈજાઓ પહોંચી હતી. પોલીસ દ્વારા રીક્ષાચાલક શકિત મગન ઠાકેચા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


